લોકભાષા-ભુજ :
ગુજરાત સરકારના નિયમો અનુસાર મેડીકલ કોલેજના તબીબોને 1 એપ્રિલ 2024થી સ્ટાઈપેન્ડમાં વધારો ચૂકવવાનો છે છતાં ભુજમાં ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજમાં મેનેજમેન્ટ દ્વારા સ્ટાઈપેન્ડ વધારા અને એરીયર્સની ચુકવણી અંગે હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આજે જી.કે.જનરલ હોસ્પિટલમાં 300 ડોકટરો હડતાલ પર ઉતર્યા હતા જેથી દર્દીઓને અગવડતા ઉભી થવાં પામી હતી
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ, ગુજરાત સરકારના નિયમ મુજબ સ્ટાઈપેન્ડમાં વધારો 1 એપ્રિલ 2024 થી અમલમાં આવી ગયો છે, પણ ગેઇમ્સના સંચાલક મંડળ દ્વારા 1 ઓક્ટોબર 2024 થી અમલમાં આવશે તેમ કહેવાયું છે.1 ઓકટોબરથી સ્ટાઈપેડનો વધારો ચૂકવવાનો છે છતાં હજી સુધી અપાયો નથી રજુઆત કરતા ડીસેમ્બરના પગારમાં લાભ અપાશે તેમ મેનેજમેન્ટ દ્વારા દાવો કરાયો છે જોકે,એપ્રિલથી ઓકટોબર સુધી 6 મહિનાનું એરીયર્સ ચૂકવવાપાત્ર થાય છે તે હજી સુધી અપાયું નથી.આ 6 મહિનાના એરીયર્સની ત્વરીત ચુકવણી કરવામાં આવે તેવી માંગ સાથે છેલ્લા 2 મહિનાથી સતત રજૂઆતો કરવામાં આવી રહી છે પણ કોલેજના સંચાલક મંડળ દ્વારા માત્ર વાતો કરાય છે અમલવારી થઈ નથી. ડોક્ટરો દ્વારા એરિયર્સ મુદ્દે ઘણી વખત વિવિધ અધિકારીઓ સાથે શાંતિપૂર્ણ ચર્ચાઓ કરાઈ છતાં કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો નથી.મેનેજમેન્ટ એક પણ વાર એરિયર્સ ચૂકવવાના સકારાત્મક વિચાર માટે સહમત થયું નથી.જેથી અંતે આજે હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આજે 25 નવેમ્બરથી જી.કે.જનરલ હોસ્પિટલમાં તમામ કામગીરી બંધ કરી હડતાળ પર જવાનો નિર્ણય કરાયો હતો જેમાં જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક સેવા બંધ કરવાનો કપરો નિર્ણય લેવા ડોકટરો મજબૂર થયા છે.પેશન્ટ્સને નુકસાન ન થાય તે માટે અને આ સ્થિતિને પહોંચી વળવા મેનેજમેન્ટને અગાઉથી જાણ કરાઈ હતી.આ મુદ્દે સકારાત્મક ઉકેલ આવે, તો તબીબોએ ફરી સેવા શરૂ કરવા પ્રતિબદ્ધતા બતાવી છે.
ડોકટરોએ રજુઆત કરી ત્યારે મેનેજમેન્ટે જણાવ્યું કે, અન્ય ખાનગી કોલેજો એરીયર્સ ચૂકવે તો અમે પણ ચૂકવશું પણ હકીકત એ છે કે, અન્ય ખાનગી કોલેજોએ એરીઅર્સની ચુકવણી કરી દીધી છે તેના પુરાવા પણ મેનેજમેન્ટને અપાયા છે. ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજના મેનેજમેન્ટે નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) સમક્ષ ખાતરી આપી હતી કે, સરકારી કોલેજના સ્ટાઈપેન્ડના દરે સ્ટાઈપેન્ડ ચુકવવા માટે તેઓ બંધાયેલા છે.ભવિષ્યમાં જો સ્ટાઈપેન્ડમાં વધારો થાય, તો અમે સરકારના નિયમ મુજબ સુધારેલ સ્ટાઈપેન્ડ ચૂકવશું.છતાં હાલમાં નનૈયો ભણી દેવાયો છે.રજૂઆત કરવા જાય ત્યારે અન્ય કોલેજની તુલના કરવામાં આવે છે પણ હાલમાં અદાણી કોલેજે ફીમાં દોઢ ગણો વધારો કરી નાખ્યો છે.લેવાની ગણતરી છે પણ આપવાની ભાવના નથી તેવો સુર પણ વહેતો થયો છે.
નિયમ પ્રમાણે રેસીડેન્ટ તબીબને છ મહિનાના એરિયર્સ પેટે અંદાજે એક લાખ અને ઇન્ટર્ન તબીબને 20 હજાર રૂપિયા ચૂકવવાપાત્ર થાય છે.


