લોકભાષા-ભુજ :
ભુજના હંગામી આવાસ હુશેની ચોકમાં ઘર પાસે ગાળો બોલવા મુદે તકરાર થતાં યુવાન પર ત્રણ શખ્સે ધોકા છરીથી હુમલો કરતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ પૈકી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. અન્ય બેને પકડાવા તપાસ ચલાવી હતી.
મુળ રાજસ્થાનના હાલ ભુજ હંગામી આવાસ હુશેની ચોકમાં રહેતા અત્તરસિંગ ગુલાબસિંગ સીસોદીયા (ઉ.વ.35)એ બી ડિવિઝન પોલીસ મથકેમાં આરોપી પ્રેમજી ધનજી બુશીયા, રહીમ ફકીરા, અરમાન ફકીરા સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ સોમવારે બપોરના એક વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપી પ્રેમજી ફરિયાદીના ઘર પાસે રોડ પર ગાળો બોલતો હોય ફરિયાદીએ ગાળો બોલવાની ના કહેતા આરોપી પ્રેમજી અને રહીમે ફરિયાદીને ધોકાથી માર માર્યો હતો. જ્યારે આરોપી અરમાન ફકીરાએ ફરિયાદીને ડાબા પગના સાથળમાં છરીથી ત્રણ ઘા માર્યા હતા. ઇજાગ્રસ્ત ફરિયાદીને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બી ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને આરોપી પ્રેમજી બુશીયાની ધરપકડ કરી લીધી હતી. જ્યારે અન્ય બે આરોપીઓ પોલીસને હાથ ન લાગતાં ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.