લોકભાષા-ભુજ :
પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ બે બનાવો બન્યા હતા. જેમાં બેકારથી કંટાળીને ભુજમાં યુવાને ફાંસો ખાઇ મોતનો માર્ગ પકડી લીધો હતો. તો, બીજીતરફ નખત્રાણા લખપત હાઇવે પર મધરાત્રે અજાણ્યા વાહનની ઠોકરથી ગંભીર રીતે ઘાયલ છકડા ચાલકનો જીવ ગયો હતો. યુવાનનોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાઇ ગયો હતો.
એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ નખત્રાણા તાલુકાના વ્યારા ગામના હાલ ભુજ જુની રાવલવાડીમાં રહેતા 25 વર્ષીય પ્રવિણ ગોવિંદભાઇ જેપાર નામના યુવાને રવિવારે મોડી સાંજે સાડા સાત વાગ્યે પોતાના ઘરમાં પંખા પર લટકીને આપઘાત કરી લીધો હતો. હતભાગીને તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં તેનું સારવાર દરમિયાન મંગળાવરે મધરાત્રે ત્રણ વાગ્યે મોત નીપજ્યું હતું. પોલીસની મૃતકના પરિવાર સાથેની પ્રાથમિક તપાસમાં મરણજનાર યુવક કોઇ કામ ધંધો કરતો ન હોઇ બેકારીથી કંટાળીને આત્મધાતી પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. જો કે, પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો, નખત્રાણાના વિરાણી રોડ પર રહેતા 25 વર્ષીય હાજી આદમ સમા પોતાના કબજાનો છકડો લઇને મંગળવારે રાત્રે નખત્રાણા લખપત હાઇવે પરથી આવી રહ્યો હતો. ત્યારે નાયરા પંપની સામેના રોડ પર કોઇ અજાણ્યા વાહનના ચાલકે છકડાને અડફેટે લેતાં છકડા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને સારવાર માટે ભુજ જી.કે. જનલર હોસ્પિટલમાં લઇ આવતાં જ્યાં હાજર પરના તબીબે વહેલી સવારે છ વાગ્યે મૃત જાહેર કર્યો હતો. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

