લોકભાષા-ભુજ :
ભુજમાં કસીરા પે નામની એપ દ્વારા મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા વેપારી પાસે કામ કરતા નખત્રાણાના યુવકે અલગ અલગ ખાતાઓમાં રૂપિયા 11 લાખ 90 હજાર જમા કરાવીને તેમાંથી 9.84 લાખ પરત ન આપી છેતરપીંડી કરતાં આરોપી વિરૂધ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
ભુજના પાટવાડી નાકા ભારતનગરમાં રહેતા મહમદ આરીફ તાલબભાઇ પંખેરીયાએ નખત્રાણા ખાતે રહેતા મંથન અશ્વિનભાઇ જેઠી નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ ગત 18 ઓક્ટોબરથી 10 ફેબ્રુઆરી દરમિયાન બન્યો હતો. ફરિયાદી છેલ્લા બાર વર્ષથી ભુજ ખાતે કસીરા પે નામની એપ દ્વારા મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા હોઇ અને નખત્રાણા ખાતે તેમનું કામ આરોપી મંથન જેઠી કરતો હતો. આરોપીએ ફરિયાદી પાસેથી અલગ અલગ એપ મારફતે રૂપિયા 11 લાખ 90 ભરાવી લઇને ફરિયાદીને તેમાંથી બે લાખ છ હજાર પરત આપી બાકીના રૂપિયા 9 લાખ 84 હજાર ન આપી ફરિયાદી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો. એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

