લોકભાષા-ભુજ :
ભુજના જુના રેલ્વે સ્ટેશન રામનગરીમાં રહેતા યુવક પર યુવતી સાથે પ્રેમ સબંધનો વહેમ રાખીને પેટ અને છાતીના ભાગે ઉપરા છપરી છરીના ઘા મારીને યુવાનોએ મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઇ હતી. બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ કરીને કાયદાના સંઘર્ષમાં આવેલા એક સહિત બે હત્યારાને ઝડપી પાડી વધુ તપાસ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રામનગરીમાં અંબે માના મંદિર પાસે ઘરે રહેતા હરજી ખીમજીભાઇ પરમાર (દેવીપૂજક)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, હત્યાનો બનાવ રાત્રીના નવ વાગ્યાના અરસામાં જુના રેલ્વે સ્ટેશન પાસે ભેંસના વાડા પાસે બન્યો હતો. ફરિયાદીનો કાકાનો દિકરો ગોવિંદ લાલજીભાઇ પરમાર ફરિયાદીના ઘરે સાથે રહેતો હોઇ રાત્રીના નવ વાગ્યે લોહી લૂહાણ હાલતમાં ઘરે આવીને ફરિયાદીને જણાવ્યું હતું કે, કાયદાના સંઘર્ષ આવેલા બાળક અને તેના કાકાના દિકરાભાઇ રમેશ ખીમજી વાઘેલાએ રસ્તામાં રોકીને યુવતી સાથે પ્રેમ સંબંધનો વહેમ રાખી ઝગડો કરી ગાળો આપી હતી. જેમાં રમેશે માર મારીને પાછળથી પકડી લીધો હતો. જ્યારે કાયદાના સંઘર્ષ આવેલા બાળકે પોતાની પાસે રહેલી છરી વળે છાતી અને પેટના ભાગે ઘા માર્યા હતા. અને રમેશે પીઠના ભાગે છરીનો ઘા માર્યો હતો. બુમા બુમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. અને ઘરે મુકી ગયા છે. જેથી ફરિયાદી અને તેમના પત્ની બન્ને જણાઓએ રિક્ષામાં ગોવિંદને ઘાયલ હાલતમાં જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગોવિંદ લાલજી પરમારનું મૃત્યુ થયું હતું. બી ડિવિઝન પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક તપાસ કરીને ભુતેશ્વર વિસ્તારમાં રહેતા હત્યાના આરોપી રમેશ ખીમજી વાઘેલા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળક સહિત બેની અટકાયત કરી લીધી હતી.