લોકભાષા-ભુજ :
ભુજના કેમ્પ એરિયામાં રાજેન્દ્રનગરમાં શુક્રવારે મોડી રાત્રે રૂપિયાની લેતી દેતીના મામલે પ્રાણઘાત હથિયારોથી અરસ પરસ હુમલાના બનાવમાં યુવાનને છાતીના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. તો, હુમલો કરનારા શખ્સને પણ પગના ભાગે ધારિયાનો ઘા વાગતાં ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હત્યાનો બનાવ રાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો. રાજેન્દ્રનગરમાં રહેતા આવેશ ફારૂક તુરીયા જાકબ અબ્દુલા બકાલી (ઉ.વ.40) પાસે રૂપિયા માંગતો હોતો. વારંવાર ઉઘરાણી કરવા છતાં રૂપિયા ન દેતો હોવાથી બન્ને વચ્ચે માથાકુટ થઇ હતી. જેમાં જાકબ ધારિયું લઇને આવેશના ઘરે પાસે ગયો હતો. ત્યારે બન્ને વચ્ચે મારા મારી થઇ હતી. જેમાં ઉસ્કેરાઇને આવેશે જાકબને છાતીના ભાગે છરીના ઘા માર્યા હતા. જેને કારણે જાકબને ગંભીર ઇજાઓ થઇ હતી. જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં આરોપી આવેશને પણ પગના ભાગે ધારિયાનો ઘા વાગતાં તે પણ ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ થયો હતો. બી ડિવિઝન પોલીસે મરણ જનાર જાકબના ભાઇ જાવેદની ફરિયાદ પરથી આવેશ સામે હત્યાની કલમ મળે ગુનો નોંધ્યો હતો. આવેશ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી રજા મળ્યા બાદ પોલીસે ધરપકડની કાર્યવાહી કરશે.


