લોકભાષા-ભુજ :
શહેરમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. ભુજથી ખાવડા જતી એક ખાનગી મીની બસ ખાવડા રેલવે ક્રોસિંગ પર ફસાઈ ગઈ હતી. સવારે લગભગ 10 વાગ્યે બનેલી આ ઘટના દરમિયાન બસ ચાલકે ફાટક પર ઊભા રહેવાને બદલે આગળ નીકળવાનો પ્રયાસ કર્યો હતો.
બન્ને તરફના ફાટક બંધ થઈ જતાં બસ વચ્ચે ફસાઈ ગઈ હતી. રેલવે સિસ્ટમ મુજબ ટ્રેન પસાર થયા પછી જ ફાટક ખોલી શકાય છે. આ સ્થિતિમાં બસમાં સવાર મુસાફરો ભયભીત થઈ ગયા હતા. જો કે, રેલવે કર્મચારીઓએ તત્કાલ દોડી આવીને ટ્રેન આવે તે પહેલાં બસને પાછળ ખસેડાવી સીધી ઉભી રખાવી દીધી હતી. આ બનાવમાં ટ્રાફિક પોલીસે બસ ડિટેઇન કરી હતી
ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેરા-મુન્દ્રા માર્ગે થયેલા ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. તે અકસ્માતમાં 24 લોકો ઘાયલ થયા હતા. વાગડથી ભુજ અને ભુજથી ખાવડા, મુન્દ્રા, માંડવી, નખત્રાણા અને નારાયણ સરોવર સુધી ખાનગી લક્ઝરી બસો નિયમોનું પાલન કર્યા વિના દોડી રહી છે. આ ઘટના બાદ વાહન ચાલકો માટે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાની માંગ ઊઠી છે.


