લોકભાષા-ભુજ :
ભુજના શેખપીર માર્ગે આવેલા ભુજોડી ગામના બેરોજગાર યુવાઓએ આજે નજીકની તેલ રિફાઇન્ડ કરતી આશાપુરા કંપની બહાર ધરણા પ્રદર્શન કરી ઉધોગ એકમના માર્ગ ઉપર અવરોધ ઉભો કર્યો હતો
નોકરી મેળવવાની માગ સાથે સ્થાનિક 100 જેટલા લોકો કંપનીના પ્રવેશદ્વાર બહાર પહોચી ગયા હતા, જેને લઈ સ્ટાફ સાથેની બસ એકમની અંદર પ્રવેશી શકી ન હતી. મામલાને થાળે પાડવા કંપની તરફથી પોલીસની મદદ લેવામાં આવી છે. જોકે, પોતાની માગ ઉપર અડગ રહેલા લોકો દ્વારા માર્ગ રોકી રાખવામાં આવ્યો છે.
આ મામલે ભુજોડી ગામના ડિગ્રી ધરાવનાર કિશન
મંગેરીયાએ કહ્યું કે, સ્થાનિકના શિક્ષિત બેરોજગાર યુવકોને નજીકની કંપનીમાં રોજગાર મળે તે માટેની કાયમી માગ હોવા છતાં કોન્ટ્રેક્ટ પ્રક્રિયા દ્વારા બારાતું લોકોને કંપની નોકરી આપી રહી છે. સ્થાનિક યુવકોની માગ છે કે, શ્રમકાર્યથી લઈ ટેક્નિકલ કાર્યમાં ખાલી પડેલી જગ્યાએ તેઓની ભરતી કરવામાં આવે, પરંતુ કંપની તરફથી યોગ્ય પ્રતિસાદ મળતો ના હોય આખરે ધરણાં પર ઉતરવાની ફરજ પડી છે. કંપની દ્વારા જ્યાં સુધી નોકરી બાબતે લેખિતમાં ખાતરી આપવામાં
નહીં આવે, ત્યાં સુધી આજ પ્રકારે ધરણા યથાવત રાખવામાં આવશે.
આશાપુરા ઓઇલ રિફાઇન્ડ કંપનીના મેનેજર ડીએસ ત્રિપાઠી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, કંપની તેની પોલિસી મુજબ કાર્ય કરી રહી છે. સૌથી વધુ સ્થાનિકના 250-300 જેટલા લોકો કંપનીમાં રોજગારી મેળવી રહ્યા છે. હાલ કોઈ નવા પ્રકલ્પ શરૂ કરાયો નથી, જે જગ્યા ખાલી થાય છે, તે સ્થળે નિયમાનુસાર કોન્ટ્રાકટ તળે ભરતી કરવામાં આવે છે, તેમાં પણ સ્થાનિક લોકોને જ પ્રાધાન્ય આપવામાં આવે છે.