લોકભાષા-ભુજ :
ભુજ ખાતે કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા ભુજ ખાતે નવનિર્મિત રૂ.૧૯ કરોડના ૧૪૪ મકાનોનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત, ગૃહરાજ્યમંત્રીએ કચ્છ જિલ્લા એસઆરપી ગ્રુપ-૧૬ ભચાઉ ખાતેના કક્ષા-બીના ૭૨ આવાસો તથા ગાગોદર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સંચાલિત શિણાય ગૌશાળા તથા અંજાર એસટી ડેપો વર્કશોપનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું.
આજના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, સરહદી કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે જેથી તેની સુરક્ષા મહત્વપૂર્ણ છે. દેશની સુરક્ષાનું મહત્વપૂર્ણ કાર્ય કરતા પોલીસ જવાન, બીએસએફ તથા આર્મીના જવાનોને તેમણે અભિનંદનને પાઠવ્યા હતા.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ નવનિર્મિત આધુનિક આવાસમાં પ્રવેશ કરનાર પોલીસ પરીવારોને આ ઘરોને માત્ર સરકારી આવાસ નહીં પરંતુ સપનાનું ઘર સમજીને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ નાગરિકોમાં પોલીસનો ડર દૂર થાય અને સામાન્યજન સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહારના અમલીકરણ અને પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો માટે સન્માનજનક અને વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવા પોલીસ વિભાગને ગૃહ રાજ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
ગૃહરાજ્યમંત્રીએ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા નિર્મિત થનારી ગૌ-શાળાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ગાયની સુરક્ષા માટે સરકારે કાયદો અમલી કર્યો છે જે હેઠળ પોલીસ ગૌ-હત્યાને રોકવા કડક કામગીરી કરી રહી છે, પરંતુ રાજ્યમાં પ્રથમવાર ગાયના જતન માટે કચ્છ પોલીસે ગૌ-શાળાનું નિર્માણ કરવાનું બીડું ઝડપીને પ્રશંસનીય દાખલારૂપ માર્ગ ચીંધ્યો છે.
ગૃહરાજ્યમંત્રીએ આ પ્રસંગે ‘ગુરૂ –જન –સેતુ’ યોજના શરૂ કરવા બદલ બોર્ડર રેન્જ પોલીસને અભિનંદન આપતા ઉમેર્યું હતું કે, સરહદની મહિલાઓ રાણી લક્ષ્મીબાઇનું સ્વરૂપ છે. આ યોજનાના માધ્યમથી સરહદી મહિલાઓ પોલીસને સહયોગ આપીને કામગીરી કરશે. જેનાથી સરહદી સુરક્ષા વધુ મજબૂત બનશે. તેમણે બોર્ડર રેન્જ કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાની મહિલાઓને સરહદી ગામમાં અસામાજિક તત્વો દ્વારા થતી અયોગ્ય પ્રવૃત્તિઓની માહિતી પોલીસને આપીને તેમના આંખ, કાન તથા હાથ બની તમામ પ્રકારે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
સરહદી જિલ્લામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત કરનાર તથા આ દિશામાં થનારા ષડયંત્રના પ્રયાસોને નાથવા કામગીરી કરતી સુરક્ષા એજન્સીઓ, બીએસએફ, આર્મી તથા પોલીસને બિરદાવતા તેમણે સુરક્ષા એજન્સીઓને ડ્રગ્સનું નેટવર્ક ચલાવનારા તત્વો સામે પગલા લેવા તથા આ કાર્યમાં રાજ્ય સરકાર હંમેશા પડખે હોવાની ખાતરી ગૃહરાજ્યમંત્રીએ આપી હતી.
ગૃહરાજ્યમંત્રીએ રાજ્યમાં પ્રથમવાર ગુજસીટોકની કલમ લગાડી વ્યાજખોરોને જેલ હવાલે કરનાર કચ્છ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નાગરિકોને વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જવાના બદલે વડાપ્રધાન દ્વારા અમલીકરણ કરાયેલી પીએમ સ્વનિધી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ગૃહરાજ્યમંત્રીએ આ પ્રસંગે રાજ્ય સરકાર હસ્તકની જમીનોને કચ્છના વહીવટીતંત્રે દબાણમુકત કરી તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ જવાનોનું ગૃહરાજ્યમંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ પીએમ સ્વનિધી યોજના હેઠળ લાભાર્થીઓને ચેકનું વિતરણ તથા ‘તેરા તુજ કો અર્પણ’ અભિયાન હેઠળ રૂ. ૪૦ લાખના લૂંટ કેસમાં કબ્જે કરાયેલી મુદામાલની રકમ ભોગ બનનારને ગૃહરાજ્યમંત્રીના વરદ હસ્તે સુપ્રત કરાઇ હતી.
સ્વાગત પ્રવચન કરતા બોર્ડર રેન્જ આઇજીપીશ્રી ચિરાગ કોરડિયાએ ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત તથા ગુરૂ-જન-સેતુ અભિયાનની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ કેશુભાઇ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી તથા ત્રિકમભાઇ છાંગા, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી, અગ્રણી દેવજીભાઈ વરચંદ, આર્મ યુનિટના એડીજી પી.કે.રોશન, બીએસએફના ડીઆઇજી અનંત સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ એસ.પી સાગર બાગમાર, બનાસકાંઠા એસ.પી અક્ષયરાજ મકવાણા, પાટણ એસ.પી રવિન્દ્ર પટેલ, કચ્છ એસટી વિભાગીય નિયામક યોગેશ પટેલ, જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી, પૂર્વ કચ્છ પોલીસ હોમગાર્ડ કમાન્ડન્ટ ભૂમિત વાઢેર, પશ્ચિમ કચ્છ પોલીસ હોમગાર્ડ કમાન્ડન્ટ મનિષ બારોટ, નાયબ પોલીસ અધિક્ષક સર્વે આર.ડી.જાડેજા, એ.આર. ઝનકાંત, મુકેશ ચૌધરી, એ.વી.રાજગોર, પાર્થ ચોવટીયા સહિત પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ, પોલીસ જવાન, પોલીસ પરિવારના સભ્યો તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.