લોકભાષા-ભુજ :
જિલ્લા સેવા સદન કચ્છ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ‘વિકાસ સપ્તાહ’ના સુચારું આયોજનને લઈને શીર્ષ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ શાળાઓમાં ક્વિઝનું આયોજન, યુથ આઈકોન ટૉક-શૉ યોજવા, સ્મૃતિવન મેમોરિયલ અને શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ખાતે સુશોભન અને રોશની, નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગ, શાળા કોલેજમાં વકતૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધા, સરકારી યોજનાકીય સાફલ્યગાથાઓ તેમજ વિકાસ પદયાત્રા વગેરે કાર્યક્રમો સુચારું રીતે યોજાય તે માટે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિએ બેઠકમાં ગ્રામ્ય સ્તરેથી જિલ્લાકક્ષા સુધીના સુચારું આયોજન ઉપર ભાર મૂકીને ભારત વિકાસ પ્રતિજ્ઞામાં તમામ નાગરિકોને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. જિલ્લામાં વિકાસ સપ્તાહ દરમિયાન લોકાર્પણ અને ખાતમૂહુર્તના કામોથી નાગરિકોને લાભાન્વિત કરવા જિલ્લા વિકાસ અધિકારી સૂચના આપી હતી.
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ થયો છે ત્યારે વિકાસ સપ્તાહ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ હેશટેગ સાથે સોશિયલ અને ડિજિટલ મીડિયા ઉપર નાગરિકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુશાસન પહેલ અને તેની સમાજ જીવન પર અસરો અંગેના અનુભવો શેર કરી શકે એવા કાર્યક્રમોનું આયોજન કરાશે. શાળા-કોલેજોમાં વિકાસ થીમ આધારિત નિબંધ સ્પર્ધાઓ, ભારત વિકાસ પ્રતિજ્ઞા, વૉલ પેઈન્ટિંગ તથા રાજ્યના મહત્વપૂર્ણ વિકાસ સ્થળોનું સુશોભન અને લાઈટીંગ તેમજ રાજ્યના રૂ.૩૫૦૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે.
વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત દિવસોની ઉજવણીનું આયોજન કરાયું છે. યુવા સશક્તિકરણ દિવસ, સુશાસન દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ, પોષણ અને આરોગ્ય દિવસની ઉજવણી કરાશે. વિકાસ સપ્તાહના આયોજન અંગેની બેઠકનું સંચાલન નાયબ કલેક્ટર મેહુલ દેસાઈએ કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી જિતેન્દ્ર રાવલ, નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નાયબ માહિતી નિયામક મિતેષ મોડાસિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.આર.ફૂલમાલી, મહિલા અને બાળ અધિકારી અવની દવે, ચીફ ઓફિસર જીગર પટેલ, ભુજ શહેરી અને ગ્રામ્ય મામલતદાર બી.એન.શાહ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સંજય ચૌધરી, સ્મૃતિવન મ્યૂઝિયમના ડિરેક્ટર મનોજ પાંડે, શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરિયલના પ્રતિનિધિ ભટનાગર સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.