લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાના મમુઆરા ગામની સીમમાંથી ધરણી વાઇટક્લે નામની ફેકટરીમાંથી 28.76 લાખનો ચાઇનાક્લે ખરીદીને રૂપિયા ન આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે નવી મુંબઇથી ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પધ્ધર પોલીસ સ્ટેશનમાં ગત 20 માર્ચ 2024ના રોજ મોરબી અમદાવાદના ચાર વેપારીઓ સામે છેતરપીંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં ભુજ તાલુકાના મમુઆરા ગામે રહેતા અને ગામની સીમમાં ધરણી વાઇટક્લે નામની ફેકટરીના માલિક પાસેથી આરોપી જયંતીલાલ મહેતા તેમજ પિયૂષભાઇ હસમુખભાઇ ફેફર (પટેલ), સુખદેવભાઇ કાનાભાલ ખાદા અને અંકિતભાઇ પટેલ નામના શખ્સો રૂપિયા 28,76,641ની કિંમતમાં વાઇટ ચાઇનાક્લેની ખરીદી કરી હતી. ત્યાર બાદ ફરિયાદી દ્વારા વારંવાર ઉઘરાણી કરવા છતાં આરોપીઓ રૂપિયા આપતા ન હોઇ પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી અશોક જયંતીલાલ મહેતા (ઉ.વ.62)ને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નવી મુંબઇ વાસી ખાતેથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી માટે પધ્ધર પોલીસને હવાલે કર્યો હતો.

