લોકભાષા-ભુજ :
મહારાષ્ટ્રના એન્જીનીયર યુવકનો ફેસબુક પર એકના ત્રણ આપવની જાહેરાત પરથી ભુજના ચીટરનો સંપર્ક થયો હતો. બાદમાં માધાપર બોલાવી એક લાખ રોકડા લઇને ઉપર નીચે 500ના દરની અસલી સાથે કાગળના બંડલો પકડાવી પલાયન થઇ ગયા હતા. બનાવને લઇ પોલીસ દળમાં દોડધામ મચી ગઇ હતી. જો કે, પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગૃપની ટીમે તાત્કાલિક તપાસ કરીને ગણતરીના કલાકોમાં ભુજના બે ચીટરોને ઝડપી પાડીને આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસને હવાલે કર્યા હતા.
ભુજમાં ચીટર ગેંગનો રાફડો ફાટ્યો છે. હાલમાં હાલમાં સસ્તા સોનાના નામે ઠગાઇ કરતી ગેંગના કુખ્યાતો સામે પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. તેમજ સંગઠીત અપરાધનો વધુ એક ગુનો દાખલ કર્યો હતો. ત્યાં વધુ એક ફેસબુક પર એકના ત્રણ ગણા કરીને ભુજના ચીટરોએ મહારાષ્ટ્રના યુવકને છેતર્યો હોવાની ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના સતાર જિલ્લાના કરાડ તાલુકાના છત્રપતિ ચોક ચરેગાં ખાતે રહેતા અને મહારાષ્ટ્ર ખાતે બીલ્ડ જૈન કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા સ્વપનીલ વિનાયક માને (ઉ.વ.23)એ ભુજના ભીડ નાકા બહાર રહેતા ફારૂક અનવર મોખા અને હનીફ ઓસમાણ સમેજા નામના બે ચીટરો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે. કે, 16 માર્ચના સવારે સાડા દસ વાગ્યાના અરસામાં ભુજ તાલુકાના માધાપર ગામે યક્ષ મંદિર પાસે બન્યો હતો. ફરિયાદીએ પોતાના ફેસબુક આઇડીમાં હેંમત સોની નામના વ્યક્તિની આઇડીમાં એક લાખના ત્રણ લાખ હેન્ડ ટુ હેન્ડ જોઇ તેમાં આપેલા મોબાઇલ નંબર પર વોટ્સએપ કોલથી 15 માર્ચના સંપર્ક કર્યો હતો. ચીટરોએ ફરિયાદીને 16 માર્ચના ભુજ બોલાવ્યો હતો. ફરિયાદી 16 માર્ચના પોતાના પગારના 1 લાખ રૂપિયા લઇને મુંબઇથી ભુજ રેલ્વે સ્ટેશન આવી જતાં ત્યાં એક્સેસ સ્કુટરથી ફારૂક અનવર મોખા ફરિયાદી પાસે આવીને સ્કુટર પર માધાપર યક્ષ મંદિર પાસે હનીફ ઓસમાણ સમેજા પાસે લઇ જઇને ઓળખ કરાવી હતી. હનીફે ક્યું કે, તમે એક લાખ લઇ આવ્યા છો ફરિયાદીએ હા કહીને એક લાખ સાથેની બેગ હનીફના હાથમાં આપી હતી. ત્યાર બાદ હનીફે ત્રણ લાખ ભરેલી થેલી ફરિયાદીના હાથમાં આપી નાસી છુટ્યા હતા. ફરિયાદીએ થેલીમાં તપાસ કરતાં ઉપર નીચે અસલી ચલણની 500ના દરની નોટ હતી અને વચ્ચે 500ની નોટના કલર જેવા કાગળીયાઓ જોવા મળ્યા હતા. પોતે છેતરાયા હોવાનું ભાન થતાં માધાપર પોલીસ મથકે ભુજના બે ચીટરો સામે છેતરપીંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન બનાવની ગંભીરતાને ધ્યાને લઇ એસઓજીના ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં બાતમી મળી હતી કે, છેતરપીંડી કરનાર આરોપી હનીફ ઓસમાણ સમેજા (ઉ.વ.41) અને ફારૂક અનવર મોખા (ઉ.વ.28) બને જણાઓ સ્કૂટરથી નાગોર રોડથી પુરાસર પાટીયા પાસે આવી રહ્યા છે. જેથી એલસીબીની ટીમે બન્ને ચીટરોને રોકડા રૂપિયા એક લાખ બે મોબાઇલ અને સ્કૂટર સાથે ઝડપી પાડીને આગળની તપાસ માટે માધાપર પોલીસને હવાલે કર્યા હતા. આ કામગીરીમાં એસઓજીના ઇન્સ્પેક્ટર કે.એમ.ગઢવી, પીએસઆઇ ડી.એન.જાડેજા, ડી.બી.વાઘેલા, એએસઆઇ નરેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા, સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.
અહીંથી નીકળી જા નહીંતર આખી જીંદગી જેલમાં જવું પડશે નહીં જા તો, અમે મારી નાખ્યું
ભોગબનારને નકલી નોટના બંડલો પકડાવ્યાનું ભાન થતાં ચીટરનો સંપર્ક કર્યો હતો. ત્યારે ચીટર હનીફને ફરિયાદીએ ફોન કરતાં હનીફે ફરિયાદીને એવી ધમકી આપી હતી. કે, અત્યારે અહીંથી નીકળી જા નહીંતર આખી જીંદગી જેલમાં જવું પડશે અને નહીં જાતો, અમે તને મારી નાખશું તેવી ધમકી આપતાં ભોગબનાર ફરિયાદી મહારાષ્ટ્ર પરત ચાલ્યો ગયો હતો.
ગત નવેમ્બરમાં હનીફે નાસીકના કોન્ટ્રાક્ટરના આજ રીતે ત્રણ લાખ લૂંટ્યા હતા
પકડાયેલા હનીફ ઓસમાણ સમેજા અને તેના સાગરીતે ગત નવેમ્બર 2024ના રોજ મુળ નખત્રાણાના કાદીયા ગામના હાલ નાસીકમાં કોન્ટ્રાકટરનો વ્યવસાય કરતા પઠેલને એકના દોઢ ગણા આપવાની લાલચ આપીને રૂપિયા ત્રણ લાખ ભરેલી બેગ ઝુટવી લીધી હતી. આ ઉપરાંત આરોપી હનીફ સમેજા સામે 2021માં મુંદરા પોલીસ સ્ટેશનમાં ત્રણ અને પૂર્વ કચ્છના કંડલા મરિન પોલીસ મથકે એક એમ છેતરપીંડીના ચાર ગુનાઓ નોંધાયા છે.


