લોકભાષા-ભુજ :
માંડવીના ચેક બાઉન્સ થવાના કેસમાં અમદાવાદના વેપારીને માંડવી કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા સાથે ચેકની રકમ એક માસમાં ચુકવી આપવા અન્યથા વધુ 90 દિવસની સજા કરતો હુકમ કર્યો હતો.
અમદાવાદમાં ધી રીયલ એન્ટરટેઇનમેન્ટના નામે કેટરીંગનો વ્યવસાય કરતા હિરેન વિજેન્દ્રભાઇ વૈદ્યને માંડવીમાં વિવેક કેટરીંગનો વ્યવસાય કરતા કરૂણાશંકર શીવજીભાઇ જોષીએ મિત્રતાના નામે રૂપિયા 4.50 લાખ આપ્યા હતા. જેની અવેજીમાં હિરેનભાઇએ બે ચેક આપ્યા હતા. જે બેન્કમાંથી શેરા સાથે પરત ફરતાં માંડવી કોર્ટમાં દાવો દાખલ કરાયો હતો. જેમાં માંડવી કોર્ટે અમદાવાદના વેપારી હિરેનભાઇને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ એક માસમાં ફરિયાદી કરૂણાશંકર જોષીને ચુકવી આપવા નહીં તો, વધુ 90 દિવસની વધુ સજા ભોગવવા હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ લક્ષ્મીચંદભાઇ જે.ફુફલ હાજર રહી દલીલો કરી હતી.