લોકભાષા-ભુજ :
પશ્ચિમ કચ્છમાં જિલ્લામાં ચાર અલગ અલગ સ્થળોએ ચોરીની ઘટના સામે આવી છે.પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે
માંડવી શહેરમાં ઓક્સવુડ સોસાયટીમાં આવેલા બંધ મકાનના તાળા તોડી અડધા લાખની મતા ચોરી જવાઈ હતી.આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી વશિષ્ટ જગદીશભાઈ ગોરના બંધ મકાનનું મેઈન દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી લોખંડની તિજોરીમાંથી સોનાના દાગીના જેમાં સવા તોલાનું મંગળસુત્ર, પા તોલાના પાટલા તેમજ રોકડા રૂપિયા ૩૫૦૦ મળી કુલ ૪૮,૫૦૦ના મુદામાલની ચોરી કરવામાં આવી હતી. જે બાબતે માંડવી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
દરમિયાન નખત્રાણા પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી વિગતો મુજબ બાંડિયારા ગામે નંબર આવેલ પવનચક્કી કેએસઆર-૧૦ની પવનચક્કીમાંથી ૩૦ હજારના ૫૦ મીટર વાયરની ચોરી કરવામાં આવી હતી. જે અંગે તોસીફ અબ્દુલભાઈ સોઢાએ ફરિયાદ લખાવી હતી. આ તરફ રામપર સર્વા ગામની સીમમાં ફરિયાદી સવાભાઈ સુરાભાઈ રબારીની માલિકીના બોરમાંથી ૮ મીટર કેબલ, વિરમ વંકા રબારીના બોરમાંથી મોટરનો ૮ મીટર કેબલ, વેરશી સોમા રબારીના બોર પરથી ૧૨ મીટર કેબલ અને શંકર સુરા રબારીના બોર પરથી મોટરનો ૧૫ મીટર કેબલ મળી ૧૨,૯૦૦ના વાયરની ચોરી કરવામાં આવી હતી. જયારે નાની ખોંભડી ગામે ફરિયાદી મોકાજી જસાજી જાડેજાના બોર પરથી ૨૫ મીટર, ટપુભા જેઠુભા જાડેજાના બોર પરથી ૩૦ મીટર, ભચલજી ટપુભા જાડેજાના બોર પરથી ૩૦ મીટર મળી કુલ ૮૫ મીટર કેબલ કિ.રૂા. ૨૩,૭૫૦ના મુદામાલની ચોરી કરવામાં આવતા નખત્રાણા પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. ત્રણેય કિસ્સામાં નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.