લોકભાષા-ભુજ :
માંડવી પોલીસ મથકમાં હુમલો કરવાના કેસમાં ચાર આરોપીઓ સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. સીન્ડીકેટ બનાવી ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજા આપતી ટોળકી સામે પશ્ચિમ કચ્છ પોલીસે પ્રથમ વખત ગુનો દાખલ કરતાં રીઢા ગુનેગારોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
માંડવી તાલુકાના પાંચોટીયા ગામના પુનશી આલા ગઢવી, હરી આલા ગઢવી, મોટી ભુજપુરના શામળા થારૂ ગઢવી, ઝરપરાના ગોપાલ રામ મીંઢાણી (ગઢવી) સામે ટોળકી બનાવી સામે સંગઠિત ગુનાખોરી અને ત્રાસવાદી પ્રવૃત્તિ કરવા સબબ ગુજસીટોકની કલમનો ઉમેરો કરી કાર્યવાહી કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ થકી મેળવેલી સંપત્તિ જપ્ત કરવા સહિતની વિવિધ કડક જોગવાઈઓ છે. દોષ પૂરવાર થયે જનમટીપથી ફાંસીની સજા સુધીની જોગવાઇ છે. ગત 16 નવેમ્બરના રાત્રીના ચારે આરોપીઓએ માંડવી પોલીસ મથકમાં તલવાર, છરી, ધોકા જેવા હથિયારો સાથે આવીને પોલીસ કર્મચારી અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ કેસમાં ચારે આરોપીઓ પાલારા જેલમાં છે. ત્યારે મુખ્ય આરોપી હરી આલા ગઢવીએ કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી. પરંતુ પોલીસ મથક પર અને પોલીસ કર્મીઓ પર હુમલો કરવા જેવો ગંભીર ગુનો હોઇ આરોપીએ શુક્રવારે જામીન અરજી પરત ખેંચી લીધી હતી. દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આ ગુનામાં આરોપીઓ સામે ગુજસીટોકની કલમનો ઉમેરો કરીને કાયદાની લગામ કસી હતી. આ જામીન અરજી કામે સરકાર તરફે સરકારી વકીલ સુરેશભાઇ મહેશ્વરીએ ધારદાર દલીલો કરી હતી.