લોકભાષા-ભુજ :
માંડવી પોલીસે પાંચોટીયાના બુટલેગર દેવરાજ ગઢવીની ધરપકડ કરતાં પાંચોટીયા ગામના કુખ્યાત અને ફરાદી ગામના સસ્પેન્ડેડ તલાટી કમ મંત્રી
એવા પુનશી આલા ગઢવી અને તેના ભાઇ સહિતના શખ્સોએ પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવીને બારીના કાચમાં તોડફોડ કરી હતી. હાજર એક પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હતી. અન્ય પોલીસ સ્ટાફે આરોપીઓને પકડીને લોકઅપમાં પૂરી દીધા હતા. ઘટનાને પગલે ભુજ ડિવાયએસપી સહિતના ઉચ અધિકારી દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. પોલીસ મથકમાં હુમલો કરનારા આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે માંડવી પોલીસ મથકના ઇન્સ્પેકટર ડી.ડી. સીમ્પી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, શુક્રવારે પાંચોટીયા ગામના બુટલેગર દેવરાજ ગોપાલ ગઢવી સામે અનેક ગુનાઓ હોઇ પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. જે બાબતનું તેના મિત્ર પુનશી આલા ગઢવીને મનદુ:ખ હોઇ પુનશી ગઢવી અને તેનો ભાઇ હરી આલા ગઢવી, તથા શામળા થારૂ ગઢવી, ગોપાલ રામ મીંઢાણી નામના બે સાગરીતો સાથે આરોપી દેવરાજની સખાવત કરવા આવ્યા હતા. અને પોલીસ કર્મચારી મેહુલ જોષી સાથે માથાકુટ કરી હતી. બાદમાં પુનશી આલા ગઢવીના ભાઇ સાથે ફ્રોડ થયો હતો. તેની અરજી બાબતે તકરાર કરીને ફ્રોડ કરનારા આરોપીને કેમ પકડતા નથી તેવી વાત કરીને પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી. પોલીસ કર્મચારીઓ સાથે હાથપાઇ કરીને પોલીસ સ્ટેશનની બારીના કાચ તોડી નાખ્યા હતા. પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મચારીઓએ ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં મેહુલ જોષી નામના પોલીસ કર્મચારીને સામન્ય ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતા ડીવાયએસપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા પોલીસે ચારે શખ્સોની ધરપકડ કરી ચારેય આરોપી સામે ગુનો નોંધીને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.
ચાર વર્ષ પહેલાં પણ પુનશી ગઢવીએ પોલીસ મથકમાં કરી હતી માથાકુટ
આશરે ચાર વર્ષ અગાઉ ૨૦૨૦માં પુનશી ગઢવી ફરાદી ગામનો તલાટી મંત્રી હતો. ત્યારે રેતી ચોરી અને પવનચક્કીના કામમાં કેટલા રૂપિયા મળે છે. તે બાબતે પુનશી ગઢવીને પોલીસ સ્ટેશનમાં બોલાવામાં આવ્યો હતો. જેમાં પોલીસે પાઇપથી માર માર્યોનો આરોપ લગાવી પુનશી ગઢવીએ પોલીસ મથકના લોકઅપમાં માથા પછાડી પોતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. જો કે, પોલીસ મથકના સીસીટીવી ફેટેજમાં આરોપી પુનશી ગઢવીના આરોપો ખોટા સાબીત થયા હતા.