માતાના મઢમાં ચૈત્રી નવરાત્રિની તૈયારીઓ આરંભી દેવાઈ
૨૯ માર્ચે ઘટસ્થાપન સાથે પર્વનો પ્રારંભ : ૪ એપ્રિલે હોમ-હવન સાથે સમાપન થશે
ફોટા
લોકભાષા-ભુજ :
લખપત તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં ચૈત્રી નવરાત્રિની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 29 માર્ચે રાત્રે 9 વાગ્યે ઘટસ્થાપન સાથે આ પર્વનો પ્રારંભથશે.
30 માર્ચથી નવ દિવસ સુધી ભક્તિમય વાતાવરણ જામશે. 2 એપ્રિલે સવારે 9 વાગ્યે જનોઈ ધારણની વિધિ યોજાશે.
ચૈત્ર સુદ સાતમ (4 એપ્રિલ)ના રોજ રાત્રે 9:30 વાગ્યે ગાદી પૂજન અને 9:45 વાગ્યે જગદંબા પૂજન થશે. ત્યારબાદ રાત્રે 10 વાગ્યે હોમ-હવનની વિધિ શરૂ થશે. મોડી રાત્રે 1:30 વાગ્યે મઢ જાગીર અધ્યક્ષના હસ્તે શ્રીફળ હોમ સાથે આ પર્વનું સમાપન થશે.
નવરાત્રિ દરમિયાન મંદિર પરિસરમાં માતાજીના ગરબાની સ્થાપના કરવામાં આવશે. દરરોજ રાત્રે આરતી-પૂજન સાથે માતાજીના ગુણગાન અને દુહા-છંદ સાથે ભક્તો રાસ-ગરબાની રમઝટ બોલાવશે. અશ્વિની નવરાત્રિની જેમ જ ચૈત્રી નવરાત્રિમાં પણ મોટી સંખ્યામાં માઈ-ભક્તો દર્શનાર્થે ઉમટે છે. આ સમયે માતાનામઢમાં મેળા જેવો માહોલ જામે છે.


