લોકભાષા-ભુજ :
ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને ગરીબ નહી પણ ઉદ્યમી મહિલાઓને સંગઠિત કરવા તેમને તાલીમબદ્ધ કરવા અને આજીવિકા સાથે જોડાણ કરી તેમને સ્વાવલંબી અને સશક્ત કરવાનો તત્કાલીન મુખ્યમંત્રી તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ધ્યેય હતો. આ ધ્યેયને સાર્થક કરવા તેમણે ગુજરાત રાજયના તેમના કાર્યકાળ દરમિયાન મહિલાઓના સ્વાવલંબન તથા રોજગાર માટે સખી મંડળોની શરૂઆત કરાવી હતી. નાના પાયે જ્યોત સ્વરૂપે શરૂ થયેલા સખી મંડળો હાલે વિશાળ જ્યોત બનીને સરહદી કચ્છમાં પણ પ્રજવલિત બન્યા છે.
ગ્રામ્ય વિસ્તાર મહિલાઓ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જે અંતર્ગત વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને પ્રેરણાથી અત્યારસુધી કચ્છ જિલ્લામાં કુલ ૭૦૦૦ થી વધુ સખી મંડળ રચના ગ્રામ્ય વિસ્તારમાં થયેલી છે. ૪૯૫૪ જેટલા સખી મંડળને રીવોલ્વીંગ ફંડના રૂ.૫૯૪.૪૩(લાખ) તેમજ ૨૧૩૯ જેટલા સખી મંડળને કમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂ.૧૬૧૭.૮૦ (લાખ) આપવામાં આવેલા છે.રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના સાથે જોડાયેલ મહિલાઓને RSETI તેમજ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના,KVK,આત્મા વગેરે જેવી સંસ્થા મારફતે મફતમાં તાલીમ આપવામાં આવે છે. તાલીમ બાદ મહિલાઓને આર્થિક પગભર થવા બેંક મારફતે કેશ ક્રેડીટ લોન અપાવી આત્મનિર્ભર બનવા તરફ દોરવામાં આવે છે.
અત્યારસુધી ૫૫૪૦ જેટલા મંડળોને બેંક દ્વારા કેશ ક્રેડીટ ધિરાણ મળેલા છે. ગ્રામીણ મહિલાઓને બેંક મારફતે નાણાકીય લેવડ –દેવડમાં મદદરૂપ થવા તેમજ બેંક મારફતે સરળતાથી ધિરાણ મળી રહે તે માટે દરેક બેંક બ્રાન્ચમાં ૨૪૨ બેંક સખીની નિમણૂક NRLM યોજના મારફતે કરવામાં આવેલી છે. બેંક દ્વારા પ્રતિ સખી મંડળ દીઠ રૂ. ૧.૫૦ લાખથી રૂ. ૨૦ લાખ સુધીની કેશ ક્રેડીટ લોન આપવામાં આવી રહી છે જેમાં કોઈપણ બેંક ગેરેંટી કે જામીન મુકવાની જરૂર રહેતી નથી. સ્વ:સહાય જૂથ સાથે જોડાયેલી બહેનો બેંક લોન મારફતે મેળવેલી રકમમાંથી આર્થિક ઉપાર્જનના સાધનો વસાવી સારી એવી રોજગારી મેળવી રહી છે. સાથે સાથે સમાજમાં પોતાનામાં રહેલી કળાને ઉજાગર કરી એક આગવું નામ સ્થાપિત કરી રહ્યા છે.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના સાથે જોડાયેલી બહેનો ન માત્ર નાણાકીય સહાય કે લોન પરંતુ વ્યવસાયિક તાલીમ મેળવી જરૂરી બજાર વ્યવસ્થા કેમ ઉભી કરાય તે માટે પણ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરેથી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
વર્તમાન સમયમાં ૪૫૩૬ જેટલા સ્વ: સહાય જૂથો ખેતી, પશુપાલન, બાગાયતની પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. અબડાસા તાલુકાના બાલાપર ગામના મહિલાઓ દ્વારા અનોખું સાહસ કરવામાં આવ્યું છે. અબડાસા તાલુકા કે જેની ૯૦% જેટલી વસ્તી ખેતી અને પશુ પાલન પર નિર્ભર છે. આ પ્રદેશમાં જે જ્યાં દર વર્ષે લીલા ચારાની અછત રહેતી હોય છે આવા સમયે અહીંના પશુ ધારકોને પશુ આહાર માટે અન્ય પ્રદેશ પર આધારિતના રહેવું પડે અને પશુ આહાર ખૂબ જ સારી ગુણવત્તા તથા પ્રોટીનયુક્ત ઓઝોલા ઘાસની ખેતી કરવામાં આવી રહી છે.
કચ્છ જિલ્લાની મોટાભાગની બહેનો હસ્તકલા કારીગરી સાથે જોડાયેલી છે જે માટે મિશન મંગલમ યોજના મારફતે સરસ મેળા, રણ ઉત્સવ જેવા અનેક મેળાનું આયોજન પણ કરવામાં આવે છે છે. જે મેળા દરમિયાન બહેનોને સારી એવી આવક થઇ રહી છે. સ્વચ્છ સુજલ શક્તિ સન્માન – ૨૦૨૩, સ્વરછ ભારત મિશન યોજના સાથે સંકલન કરીને વેસ્ટ પ્લાસ્ટિકમાંથી વિવિધ પ્રોડક્ટ તૈયાર કરતા કુળદેવી સખી મંડળના સભ્ય રાજીબેનને ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુરમુંજી અધ્યક્ષતામાં અને કેન્દ્રિયમંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીની ઉપસ્થિતમાં વિજ્ઞાન ભવન, ન્યુ દિલ્લી ખાતે આયોજિત કાર્યક્રમમાં વેસ્ટ પ્લાસ્ટિક મેનેજમેન્ટ કેટેગરી અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં કરવામાં આવ્યા હતા. રાજીબેન મિશન મંગલમ યોજના સાથે જોડાઈ 30 જેટલા બહેનોને રોજગારી આપી રહ્યા છે સાથે સાથે પર્યાવરણનુ જતન કરી સામાજિક દાયિત્વ નિભાવી રહ્યા છે.
કચ્છ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરતાં અંદાજીત ૫૦૦૦ વિધાર્થીઓને પોષ્ટીક નાસ્તો અને જમવાનું મળી રહે તે ઉદેશ્ય થી “સખી કેન્ટીન” શરૂ કરવામાં આવી છે. આમ કેટરિંગ અને કેન્ટીન દ્વારા પણ બહેનો આજીવિકા મેળવી રહી છે. વધુમાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ ઓનલાઈન માર્કેટિંગનો ઉપયોગ વધુ થતો હોઈ બહેનોએ પોતાની પ્રોડક્ટ ઓનલાઈન માર્કેટ દ્વારા વેચાણ માટે મુકવી જોઈએ જે વિચાર હેઠળ કચ્છ જિલ્લામા E-COMMERCE પ્લેટફોર્મ જેવા કે એમેઝોન, ઇન્ડિયા માર્ટ GEM વગેરે ઉપર ૫૧ જેટલા સખી મંડળની પ્રોડક્ટનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલું છે. ખાદ્ય સામગ્રીના ઉત્પાદન સાથે જોડાયેલા ૨૧ સ્વ:સહાય જૂથનું ફૂડ લાઇસન્સ (FSSAI) પણ DAY- NRLM યોજનાના માધ્યમથી મેળવેલું છે.વિવિધ ઉદ્યોગ સાથે જોડાયેલા ૧૨૧ સ્વ:સહાય જૂથનું ઉદ્યમી નોધણી કરાવેલી છે.
આમ, બહેનોને નાણાકીય આયોજન કેવી રીતે કરવું તે શીખવવાની જરૂર રહી નથી અને બહેનોને આપવામાં આવેલ ધિરાણ તેઓ એક વિશ્વાસ સાથે પરત કરતા હોય છે. આમ, ગ્રામ્ય વિસ્તારના અર્થતંત્રના વિકાસની સાથે આ દેશના અર્થતંત્રને આગળ ધપાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનમાં મહિલાઓ ખૂબ મોટો ફાળો આપી રહી છે. વડાપ્રધાન સ્ત્રી સશક્તિકરણને વેગ આપવા અનેક યોજના અમલી કરી છે ત્યારે સખીમંડળો તેના ઉદાહરણરૂપ બન્યા છે.