લોકભાષા-ભુજ :
કચ્છમાં ભારે વાહનો અને માર્ગની બતર હાલતના કારણે અકસ્માતના બનાવોમાં ઉછાળો આવી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મહાકાય વાહન થકી અનેક લોકોના જીવ ગયા છે. તેવામાં ભુજ નજીકના માધાપર ગામે પોલીસ ચોકી સામે સર્જાયેલા ગંભીર અકસ્માતના બનાવમાં ગતીભેર આવી રહેલા ટ્રેઇલરે એક્ટિવાને અડફેટે લેતાં ભુજ મહિલા કોલેજના શિક્ષિકાનું ટાયર નીચે આવી જવાથી ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતકના પરિવારજનો અને પટેલ ચોવીસીના ગામો તેમજ શિક્ષિક સમાજમાં શોકનો માહોલ સર્જાઇ ગયો હતો.

માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ સવારે સાડા સાત વાગ્યાના અરસામાં પોલીસ ચોકી સામેના રોડ પર બન્યો હતો. માધાપર નવાવાસમાં રહેતા અને ભુજમાં મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજમાં છેલ્લા પાંચ વર્ષથી પીટી ટીચર તરીકેની નોકરી કરતા 25 વર્ષીય નંદનીબેન લાલજીભાઇ પીંડોરીયા પોતાની એક્ટિવા લઇને કોલેજ જવા નીકળ્યા હતા. પોલીસ ચોકી પાસે રોડ પર પાછળથી સ્પીડમાં આવી રહેલા ટ્રેઇલરના ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં શિક્ષિકાનું પાછળના ટાયરમાં આવી જતાં કરૂણ મોત નીપજ્યું હતું. મરણજનાર નંદિનીબહેન અપરણીત હતા. તેઓ માતા-પિતા અને ભાઇ સાથે માધાપર જુનાવાસમાં રહેતા હતા. ભુજમાં મહિલા કોલેજમાં પીટી ટીચેર તરીકે નોકરી કરતા હોઇ સવારે ઘરેથી કોલેજ જવા એક્ટિવા પર નીકળ્યા હતા. ત્યારે માધાપર ચોકી પાસે પાછળથી આવતા ટ્રેઇલર એક્ટિવાને અડકી જતાં એક્ટિવા સ્લીપ થઇ જવાથી ટાયર નીચે આવી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે તેમનું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં પરિવારજનો અને પટેલ સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. માધાપર પોલીસે જણાવ્યું હતું કે, મૃતકના પિતાએ પ્રથમ એક્ટિવા સ્લીપ થઇ જવાને કારણે મોત થયાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસ ચોકી પાસે આવેલી હોટલના સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થયા અને તેમાં પાછળથી સ્પીડમાં આવી રહેલા ટ્રેઇલરના ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હોવાનું જણાઇ રહ્યું છે. જેથી પોલીસ મૃતકના પિતાની ફરિયાદ પરથી ટ્રેઇલરના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.


