લોકભાષા-ભુજ :
કેરા ગામ પાસે ત્રિપલ અકસ્માતમાં છ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જેમાં 24 ઘાયલ વ્યક્તિઓ પૈકી વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં મરણ આંક સાત થયો છે. ત્યાં મુંદરાના ધ્રબ રોડ પર રવિવારે રાત્રે હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં અજાણ્યા વાહન હડફેટે આવી જતાં બાઇક સવાર બે યુવાનના સ્થળ પર કમકાટી ભર્યા મોત નીપજ્યા હતા. તેમજ ભુજ તાલુકાના માનકુવા ગામે પતિ સાથે એક્ટિવા પર જતા પત્નીનું ટ્રકની ટકકરથી ટાયરના જોડા નીચે આવી જતાં કરૂણ મોત થયું હતું. મૃતકોના પરિવારજનોમાં ઘટનાને લઇ અરેરાટી ફેલાઇ ગઇ હતી.
મુન્દ્રા રોડ પર સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં ખાનગી મીની બસમાં સવાર છ લોકોના મૃત્યુ થયા હતા. અને 24 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. આ દુર્ઘટનામાં વધુ એક જારખંડના વસીમખાન રફીકખાન (ઉ.વ.30) નામના યુવાનનું મોત નીપજ્યું છે. આ ગમખ્વાર અકસ્માતના બનાવમાં મૃત્યુ આંક સાત થયો છે. ત્યાં રવિવારે રાત્રીના બાર વાગ્યાના અરસામાં મુંદરાના ટી પોઇન્ટ સર્કલ પાસે મીઠાણી પુલીયા નજીક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં બાઇક પર સતલુજ ધાબા પર જમવા જઇ રહેલા લાખાપર ગામના સુરેશ હીરજીભાઇ કોલી (ઉ.વ.23) અને ગુંદાલા ગામે રહેતા વિશાલ દેવશીભાઇ માંગલીયા (ઉ.વ.23)ને અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં ગંભીર ઇજાઓને કારણે બન્નેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. હતભાગી યુવાનોના મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે માટે ખસેડવામાં આવ્યા હતા. મુંદરા પોલીસે મરણ જનાર સુરેશ કોલીના ભાઇ દિનેશ કોલીની ફરિયાદ પરથી અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તો, બીજીતરફ મંગળવારે બપોરે અઢી વાગ્યે માનકુવા ગામે રહેતા માધવગીરી ગોસ્વામી અને તેમના પત્ની મંગળાબેન (ઉ.વ.70) બન્ને જણાઓ એક્ટિવા પર જઇ રહ્યા હતા. ત્યારે માનકુવા બસ સ્ટેશન પાસે ટ્રક સાથે અકસ્માત થતાં માધવભાઇ રોડની સાઇડમાં ફેંકાઇ ગયા હતા. જ્યારે મંગળાબેન ટ્રકના પાછળના ટાયરના જોટામાં આવી જતાં તેમનું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

