લોકભાષા-ભુજ :
મુંદરાના બારોઇ રોડ પરના સૂર્યાનગર સોસાયટીમાં રાંધણગેસના બાટલાની લાઇન લીકેજને કારણે બ્લાસ્ટ સાથે વિકરાળ આગ ફાટી નીકળતાં ભૂંજાઇ જવાથી ઉંગમાં જ પિતા પુત્રીનું સ્થળ પર મોત થયા બાદ ગંભીર રીતે દાઝી ગયેલી માતાએ મોડી રાત્રે આદિપુરની ઐયર હોસ્પિટલમાં અંતિમ સ્વાસ લીધો હતો. આ દુર્ઘટનામાં મોતનો આંક ત્રણ થયો હતો. પરિણીતાનું ડીડી લેવાય તે પહેલાંજ મૃત્યુ થતાં ઘટના કઇ રીતે બની હતી. તે રહશ્ય જ રહ્યું હતું.
મુંદરાના સુર્યાનગર સોસાયટીમાં રહેતા આંધ્રપ્રદેશના શ્રમજીવી પરિવારમાં આ દુર્ઘટના બની હતી. રવિકુમાર સોમેશ્વરરાવના પત્ની કવિતાબેન મંગળવારે વહેલી સવારે દુધ ગરમ કરવા ગેસનો ચુલો ચાલુ કર્યો હતો. ને ગેસ લીકેજના કારણે ઘરમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. બે દિવસ પહેલા એચ.પી. કંપનીનો ગેસનો બાટલો લગાવ્યો હતો. જે લીકેજ થતાં રાતભર ગેસ ઘરમાં ભરાઇ ગયો હતો. બેડરૂમમાં પંખો ચાલુ હોવાથી રૂમમાં ગેસ ફેલાઇ ગયો હતો. તેને કારણે આગ સાથે પ્રચંડ ઘડાકો થયો હતો. રવિકુમાર અને તેમની દિકરી જાહન્વીનું સ્થળ પર કંમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે 60 ટકા દાઝી ગયેલા કવિતાબેનને સારવાર માટે આદિપુરની ઐયર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે સાડા બાર વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. આ ઘટનામાં ગેસ લીકેજ થવાને કારણે ભયાનક આગે આંધ્ર પ્રદેશના પરિવારને પીંખી નાખ્યો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને આગળની તપાસ હાથ ધરી છે.