લોકભાષા-ભુજ :
મુંબઈથી ભુજ વચ્ચે દૈનિક સેવા આપતી એલાયન્સ એરની ફ્લાઈટ આજે ટેક્નિકલ કારણોસર રદ્દ થતાં મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતા . સવારે 6:40 કલાકે ઉડાન ભરવાની અને 8:20 કલાકે ભુજ પહોંચવાની નિર્ધારિત ફ્લાઈટ અચાનક રદ્દ કરવામાં આવી હતી. જેના કારણે મુસાફરોને મુંબઈ એરપોર્ટ પરથી પરત ફરવું પડ્યું હતું.
ફ્લાઈટ ટેક્નિકલ કારણોસર રદ્દ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એર કંપની દ્વારા મુસાફરો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી.
6:40ની ફ્લાઈટ 8:40 સુધી રાહ જોયા બાદ રદ્દ કરવામાં આવી હતી. મુસાફરોના સવાલોના જવાબમાં માત્ર રિફંડની વાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ આ જ કંપનીની ભુજથી મુંબઈ જતી સવારની 9:05ની ફ્લાઈટ ટેક્નિકલ કારણોસર રદ્દ થઈ હતી, જેનું રિફંડ હજુ સુધી મળ્યું નથી.
કચ્છ અને મુંબઈ વચ્ચે રોજિંદા ત્રણ ફ્લાઈટ્સ અને બે ટ્રેનની સેવા ઉપલબ્ધ છે, જે હંમેશા હાઉસફુલ રહે છે. આ માર્ગ પર મુસાફરોની સંખ્યા વધુ હોવાથી આવી ઘટનાઓથી અનેક લોકો, ખાસ કરીને કચ્છી એનઆરઆઈ મુસાફરો મુશ્કેલીમાં મૂકાય છે. કચ્છ ટુર ઓપરેટર એસોસિએશનના ટ્રેઝરર કંચનબેન વરસાણીના જણાવ્યા પ્રમાણે છેલ્લા ચાર દિવસથી સમસ્યા છે જેનો કાયમી ઉકેલ જરૂરી છે.

