લોકભાષા-ભુજ :
નખત્રાણા તાલુકાના મુરૂ ગામે બીમારીથી પીડાતા યુવાને ફાંસો ખાઇ જીવનનો ત્યાગ કર્યો હતો. તો, મુંદરાના નાના કપાયામાં વીજ કરંટે કિશોરનો જીવ લઇ લીધો હતો.
નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના મુરૂ ગામે રહેતા 48 વર્ષીય વિરજીભાઇ થાવરભાઇ મહેશ્વરીને લાંબા સમયથી શારિરીક બીમારી હોઇ બીમારીથી કંટાળી જઇને શુક્રવારે બપોરે દોઢ વાગ્યે પોતાના ઘરના બાથરૂમમાં લુંગી વળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. મોતના બનાવથી મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી હતી. જ્યારે બીજીતરફ મુંદરા તાલુકાના નાના કપાયા ગામે મહેશ્વરીવાસમાં રહેતા 17 વર્ષીય નિરજ માવજીભાઇ સોધમ નામના કિશોર શનિવારે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતાં સ્વીચમાંથી ઇલેકટ્રીક કરંટનો ઝાટકો વાગતાં તેનું સ્થળ પરજ મોત નીપજ્યું હતું. સગીર છોકરાના મોતના બનાવથી પરિવારજનોમાં આક્રંદ છવાઇ ગયો હતો. મુંદરા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.