લોકભાષા-ગાંધીધામ :
મેઘપર બોરીચી સોસાયટી વિસ્તારના લોકોએ આંદોલનનુ રણશિંગું ફૂંકયુ છે. અંડરબ્રિજની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રથમ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે અને બાદમાં ધરણા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. તેમ છતાં પ્રશ્નનો ઉકેલ ન આવે તો આમરણાંત ઉપવાસ આંદોલન કરવાનું નક્કી કર્યું છે
આ અંગે મેઘપર બોરીચીના સોસાયટી વિસ્તારના લોકો દ્વારા ૧૧ લોકોની આંદોલન સમિતિ બનાવવામાં આવી છે જે જુમાપીર તથા સ્વામી લીલાશાહ ફાટક ઉપર અંડરબ્રિજના પ્રશ્ને લડત આપશે.
આ અંગે આંદોલન સમિતિના માનદ સલાહકાર રામભાઈ કપ્તાએ જણાવ્યું હતું કે આ લોક આંદોલન અન્વયે અસરકર્તા સર્વે સોસાયટીઓના આગેવાનોના સાથ સહકાર અને સહયોગથી પ્રથમ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી લોક આંદોલન અન્વયે લડત સમિતિના આ આંદોલનથી વાકેફ કરશે.
ત્યારબાદ પ્રથમ સાત દિવસ રેલ્વે ફાટક તથા અંજારના વિધાનસભા સભ્યની કચેરી અથવા તેમના નિવાસસ્થાન સામે ધરણાં કાર્યક્રમ કરવામાં આવશે. તેમ છતાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.