લોકભાષા-ભુજ :
નખત્રાણા તાલુકાના મોટી અરલમાં પવનચક્કીના કામ મુદે ગામના યુવાનો સામે ખોટી ફરિયાદ દાખલ કરાઇ છે. તે રદ કરવા ગ્રામજનો દ્વારા નાયબ કલેકટર નખત્રાણા, ડીવાયએસપી, અને પોલીસ ઇન્સ્પેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, લખપતના કુરીયાણી ગામના મહાવીરસિંહ સ્વરૂપાજી સોઢા દ્વારા મોટી અરલના પ્રવિણસિંહ હરીસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ હરીસિંહ જાડેજા અને લાલુભા દુજુભા જાડેજા સામે નખત્રાણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદને ગ્રામજનો દ્વારા વખોડવામાં આવે છે. મોટી અરલની સીમમાં ગ્લોબલ વિન્ડ સર્વિસ કંપનીની પવનચક્કી ઉભી કરવાનું કામ રિયાન્સી કન્ટ્રકશન દ્વારા કરવામાં આવે છે. જેમાં પવનચક્કીના હેવી મટેરીયલ લઇ જવા માટે મોટા ગેરકાયદે રસ્તાઓ બનાવામાં આવે છે. તેમજ આજુબાજુ જંગલોનો નાસ કરવામાં આવી રહ્યો છે. જેથી ગ્રામજનો દ્વારા પવનચક્કીનું કામ બંધ કરવા અવાર નવાર કંપની અને પોલીસ ખાતાને રજુઆત કરવા છતાં બંધ કરવાને બદલે ઠેકેદાર કંપનીના કર્મચારીએ ગામના યુવાનો સામે રૂપિયા માંગવા અને માર માર્યા સબબ નખત્રાણામાં ખોટી ફરિયાદ દાખલ કરાવી છે. જે રદ કરવા અને ફરિયાદ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આવેદનપત્રમાં માંગ કરાઇ છે.


