લોકભાષા-ભુજ :
કચ્છ જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે એસ્પિરેશનલ બ્લોક રાપર અને લખપત તાલુકાના સર્વાંગી વિકાસ માટે આયોજિત ‘સંપૂર્ણતા અભિયાન’નો સમાપન સમારોહ યોજાયો હતો. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપરના ધારાસભ્યએ સંપૂર્ણતા અભિયાન અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોના સર્વાંગી વિકાસ માટે લેવામાં આવેલા પગલાઓની સરાહના કરી હતી.
આ પ્રસંગે કચ્છ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, રાપર અને લખપત તાલુકાનો સર્વાંગી વિકાસ થાય તે માટે સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા નિયત ઈન્ડીકેટર્સથી ઓછો વિકાસ ધરાવતા તાલુકાનો આ અભિયાન અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો હતો. રાપર અને લખપત તાલુકામાં સંપૂર્ણતા અભિયાન અંતર્ગત પોષણ, આરોગ્ય, શિક્ષણ, ખેતીવાડી અંતર્ગત થયેલા કામો અને નાગરિકોને યોજનાકીય લાભો પહોંચાડવાની કામગીરીને જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિએ બિરદાવી હતી. સ્થાનિક સખી મંડળની બહેનોને સંપૂર્ણતા અભિયાન અંતર્ગત રોજગારી મળી અને અભિયાનનું અમલીકરણ પણ સુચારું રીતે થયું એ બાબતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

સંપૂર્ણતા અભિયાન અંતર્ગત વિવિધ યોજનાઓમાં લાભાન્વિત નાગરિકોની સાફલ્ય ગાથાઓ ઉપસ્થિત સૌએ નિહાળી હતી. આરોગ્ય સેવાઓ સહિત વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફૂલમાલીએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી મહાનુભાવોને જાણકારી આપી હતી. એસ્પિરેશનલ બ્લોક અંતર્ગત હાંસલ કરવામાં આવેલા લક્ષ્યાંકો અંગે વિગતવાર માહિતી મહાનુભાવોએ મેળવી હતી.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં જિલ્લા આયોજન અધિકારી જિતેન્દ્ર રાવલે જણાવ્યું હતું કે, સંપૂર્ણતા અભિયાનને જન જન સુધી પહોંચાડવા સરકારે જવાબદારી સોંપી હતી તેને તમામ કર્મયોગીઓ સુપેરે નિભાવી છે. આ અભિયાન અંતર્ગત અનેક નાગરિકોને લાભ થયો તે વાતની ખુશી વ્યક્ત કરીને જિલ્લા આયોજન અધિકારીએ તમામ કર્મયોગીઓને અભિનંદન આપ્યા હતા.
રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિત મહાનુભાવોના વરદ્ હસ્તે સંપૂર્ણતા અભિયાન અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને લાભ પહોંચાડવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ કરી હતી.
આ સમાપન સમારોહના આયોજન પ્રસંગે ડીઆરડીએના નિયામક નિકુંજ પરીખ, જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા, નાયબ પશુપાલન નિયામક આર.ડી.પટેલ, રાપર સીડીપીઓ કાજલ પ્રજાપતિ, જિલ્લા આયોજન કચેરીના શ્રી પ્રહલાદસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

