લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિમંડળ કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ અને પ્રમુખ મહેશ પૂજના અધ્યક્ષસ્થાને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક મિશ્રાને પશ્ચિમ રેલ્વે ચર્ચગેટ ના મુખ્ય કાર્યાલય, મુંબઈ ખાતે રૂબરૂ આમંત્રિત કરતાં મુલાકાત લીધી હતી. પ્રતિનિધિમંડળમાં પૂર્વ પ્રમુખ તેજા કાનગડ, માનદ મંત્રી મહેશ તિર્થાણી અને ડીઆરયુસિસી તથા ચેમ્બરના કારોબારી સભ્ય રાકેશકુમાર જૈન સામેલ રહ્યા હતા.
આ બેઠકમાં કચ્છ પ્રદેશના રેલ વિકાસને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેના ફળ સ્વરૂપે જનરલ મેનેજર તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
કચ્છ પ્રદેશને નવી ટ્રેન સુવિધાઓ અંગે એક વિસ્તૃત આવેદન પાઠવતાં, પ્રમુખ મહેશ પૂજે ભુજથી બાંદ્રા, ભુજથી સરાઈ રોહિલ્લા, ભુજથી દેહરાદૂન અને હરિદ્વાર સુધી દૈનિક ટ્રેન સેવાઓ શરૂ કરવાની માંગ કરી હતી. તેઓ એ જણાવેલ કે, “આ નવી ટ્રેન સેવાઓથી કચ્છના નાગરિકોને ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના મહત્વના શહેરો સાથે સીધો સંપર્ક મળશે, જે પ્રવાસીઓ ઉપરાંત વ્યાપારીઓ માટે પણ અત્યંત લાભદાયક સાબિત થશે,” તેમ જણાવી કચ્છ ના ત્રણ મહા બંદરો તથા અન્ય મેગા પ્રોજેક્ટ્સ ને લીધે ચેમ્બર દ્વારા કચ્છના સર્વાંગી વિકાસ ના હિત માં વિસ્તૃત આવેદન પાઠવવા માં આવેલ છે તેમ જણાવેલ.
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ નમો ભારત રેપિડ ટ્રેન સેવામાં અમદાવાદના આંબલી સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવાની અને ભુજથી મુંબઈ સુધી નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવાની રજૂઆત કરી હતી. તેમ જણાવી “હાઈ-સ્પીડ કનેક્ટિવિટી કચ્છના આર્થિક વિકાસને વેગ આપશે અને આધુનિક ટ્રેન સેવાઓનો લાભપ્રદેશના લોકોને મળશે,” તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું.
મહેશ તિર્થાણી એ વધુમાં ઉમેરેલ કે, ભુજ ખાતે પીટ લાઈનના કાર્યને ઝડપી બનાવવા પર ભાર મૂકાયો છે. તેમણે જણાવ્યું હતું કે, “પીટ લાઈનની સુવિધા ટ્રેનોની જાળવણી અને સંચાલનમાં સરળતા લાવશે, જેના કારણે ટ્રેન વિલંબ અને તકનીકી સમસ્યાઓમાં ઘટાડો થશે.”
પૂર્વ પ્રમુખ તેજા કાનગડે, ગાંધીધામ—જોધપુર ટ્રેન સેવાનું પુનઃ નિર્માણ, ગાંધીધામ—ભાગલપુર એક્સપ્રેસ ટ્રેનના આવર્તનમાં વધારો, તેમજ કામાખ્યા એક્સપ્રેસ અને ગર્ભા એક્સપ્રેસનું આવર્તન અઠવાડિયામાં ત્રણ વાર કરવાની માગણી કરી હતી. “આ સુધારાઓથી કચ્છનું ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારત સાથેનું જોડાણ મજબૂત થશે, જે વ્યાપાર અને કચ્છ ના વિશ્વ પ્રસિધ્ધ પ્રવાસન ક્ષેત્ર એમ બંને ક્ષેત્રો માટે ફાયદાકારક રહેશે,” તેવું તેમણે સમજાવ્યું હતું.
પ્રતિનિધિમંડળે દેશલપર-રાધનપુર સાઈડિંગ પર વજનકાંટો (વે બ્રિજ)ની ઝડપી સ્થાપના અને ઓખા સ્ટેશન પર મીઠાના અનલોડિંગ માટે ગુડ્ઝ શેડની સ્થાપના કરવા જેવા વિશિષ્ટ પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. આ સુવિધાઓ કચ્છના મીઠા ઉદ્યોગ અને અન્ય ઔદ્યોગિક એકમોને માલ પરિવહનમાં સરળતા આપશે. તેમજ સમગ્ર દેશ ની મીઠા ની મોટા ભાગ ની ખપત ની આપૂર્તિ કરતા આ મહત્વ ના ઉધ્યોગ ને બળ મળશે તેમ જણાવાયેલ.
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક મિશ્રાએ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “કચ્છ જિલ્લો ગુજરાત રાજ્ય અને ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને પશ્ચિમ રેલ્વે આ પ્રદેશની કનેક્ટિવિટી સુધારવા માટે પ્રતિબદ્ધ છે. અમે તમામ રજૂઆતોની વ્યવહારિકતાને તપાસી તેને, તબક્કાવાર અમલમાં મૂકવા માટે પ્રયત્નશીલ રહીશું.” તેમણે ભુજ—બાંદ્રા અને ભુજ—સરાઈ રોહિલ્લા ટ્રેન સેવાઓ પર પ્રાધાન્ય આધારે કામ કરવા અને પીટ લાઈનના નિર્માણકાર્યને ઝડપી બનાવવાની ખાતરી પણ આપી હતી.
આ મુલાકાત કચ્છ પ્રદેશના રેલ માળખાના વિકાસ માટે એક મહત્વનું પગલું સાબિત થશે અને ભવિષ્યમાં પ્રદેશના આર્થિક- સામાજિક અને પ્રવાસન વિકાસને વેગ આપશે. તેવું અંતમાં માનદ મંત્રી મહેશ તીર્થાણીએ યાદીમાં જણાવાયું છે.


