લોકભાષા-ભુજ :
લખપત તાલુકાના ભાજપના પ્રમુખ અને અગ્રણી એવા વેસલજી મોડજી તુંવર પર બુધવારે બપોરે ગામના મંદિર પાસે પુજારીનું મકાન બનાવવા બાબતે તકરાર કરીને આશાપર ગામના બળવંતસિંહ ઉર્ફે બલીયો ભેરજી સોઢા નામના શખ્સે ઘાતક હુમલો કરીને લોહિલૂહાણ કરી ગંભીર ઇજા પહોંચાતાં ચકચાર પ્રસરી ગઇ હતી. ઘટનાને પગલે દયાપર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોરને નશાની હાલતમાં પકડી પાડીને તેની સામે હત્યાના પ્રયાસ તેમજ પ્રોહિબીશનની બે અલગ અલગ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
આ બનાવમાં અંગે દયાપર પોલીસ મથકે લખપત તાલુકા ભાજપના પ્રમુખ વેસલજી મોડજી તુંવર રહે ભાડરાએ આશાપર ગામે રહેતા બળવંતસિંહ સોઢા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આશાપર ગામે બે વર્ષ પહેલાં શીવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ફરિયાદીએ ગ્રામજનોની હાજરીમાં મંદિરની બાજુમાં પુજારીને રહેવા માટે સ્વખર્ચે મકાન બનાવી દેવાની જાહેરાત કરી હતી. જે સૌ ગ્રામજનોએ સ્વીકારી હતી. દરમિયાન ફરિયાદી દ્વારા લાભ પાંચમને દિવસે મંદિર પાસે મકાનનું કામ શરૂ કર્યું હતું. ત્યારે આશાપર ગામે રહેતા આરોપી બળવંતસિંહ સોઢા સ્થળ પર આવીને કામ કરી રહેલા મજુરોને ગાળો આપી જાતિ અપમાન કરી અહીં કામ બંધ કરવા દમદાટી શરૂ કરી હતી. જેથી ફરિયાદી સ્થળ પર આવતાં આરોપીએ ફરિયાદી સાથે હાથાપાઇ કરીને ફરિયાદીને જમીન પર પાડી દઇને માથાના ભાગે પથ્થર મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેથી વેલસજીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવને લઇ ભાડરા, અશાપર, માતાનામઢ, દયાપર સહિતના અગ્રણીઓ હોસ્પિટલમાં દોડી ગયા હતા. તો, દયાપર પોલીસને ઘટનાની જાણ થતાં તુરંત કાર્યવાહી કરીને આશાપર ગામના ગાભારીયા તળાવ પાસેથી નશાની હાલતમાં બળવંતસિંહ ભેરજી સોઢા (ઉ.વ.42)ને પકડી પાડ્યો હતો. દયાપર પોલીસ મથકના પીએસઆઇ કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. કે, હાલ પ્રોહિબીશનના કેસમાં આરોપીની અટક કરી છે. ત્યાર બાદ હત્યાના પ્રયાસના ગુનામાં વિધિવત ધરપકડ કરવામાં આવશે.


