લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાના લોડાઇ ગામે ગાળો બોલવાની ના કહેવા મુદે મહિલા પર ત્રીકમથી હુમલો કરી ફેકચર સહિતની ઇજા પહોંચાડનારા આરોપીને ભુજની કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા સાથે 20 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ન ભરે તો, વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ બનાવ ગત 31 જુલાઇ 2019ના રોજ બન્યો હતો. આરોપી મનિષ ઉર્ફે કનૈયો નાનજીભાઇ ભીંડે પોતાના ઘર પાસે ત્રીકમથી ખાડો ખોદતો હતો. ત્યારે ફરિયાદી ચંદ્રિકાબેન જીતેન્દ્રભાઇ જોષી ત્યાંથી પસાર થતા હતા. ત્યારે આરોપીએ ગાળો આપી હતી. ફરિયાદી મહિલાએ ગાળો આપવાની ના કહેતા આરોપીએ ઉસ્કેરાઇ જઇને ફરિયાદી મહિલાને કમરથી નીચેના ભાગે પાછળ ત્રીકમનો ઘા મારીને ઇજા પહોંચાડી હતી. ત્યાર બાદ હાથની કોણી પર ત્રીકમના હાથાનો ઘા મારીને ફેકચર સહિતની ઇજા પહોંચાડી હતી. પધ્ધર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં આરોપીને ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં ચાર્જ સીટ બાદ કોર્ટમાં કેસ ચાલી જતાં ભુજ ચીફ જ્યુ.મેજીટ્રેટ પી.એલ.પટેલએ આરોપી મનિષ ઉર્ફે કનૈયો નાનજીભાઇ ભીંડે (ઉ.વ.48)ને બે વર્ષની સાદી કેદની સજા સાથે 20 હજારનો દંડ, દંડની રકમ ન ભરે તો, વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારી તરફે સરકારી વકીલ આર.આર.પ્રજાપતિ હજાર રહીને દલીલો કરી હતી.

