લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગાંધીધામ-કંડલા વિસ્તારની MDG પોસ્ટ ઓફિસની કથળતી સેવાઓ અંગે ગહેરી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દેશના સૌથી વિશાળ જિલ્લાના અને પૂર્વ કચ્છના સહુથી સમૃદ્ધ વિસ્તાર તરીકે ઓળખાતા ગાંધીધામ-કંડલામાં આવેલી આ પોસ્ટ ઓફિસ હજારો નાગરિકો, કામદારો અને વેપારીઓની આવશ્યક સેવાઓ અને આર્થિક જરૂરિયાતોનું કેન્દ્ર બની રહી છે.
આ અંગે ચેમ્બર પ્રમુખ મહેશ પુજ દ્વારા અમદાવાદ સ્થિત મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલને લખાયેલ પત્રની વિગત ટાંકતાં જણાવાયું હતું કે, છેલ્લા કેટલાક સમયથી આ પોસ્ટ ઓફિસની સેવાઓમાં નોંધપાત્ર ગિરાવટ આવી છે. વિશેષ કરીને વૃદ્ધ નાગરિકો અને પેન્શનરોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. મર્યાદિત સ્ટાફ અને અપૂરતી કાઉન્ટર સુવિધાઓને કારણે નાના રોકાણકારો અને બચતકર્તાઓને ભારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે.
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું છે કે, પોસ્ટ ઓફિસમાં આધુનિક ડિજિટલ સુવિધાઓનો અભાવ એ મોટી સમસ્યા છે. નાના વેપારીઓ અને ઉદ્યોગકારોને મની ઓર્ડર, સ્પીડ પોસ્ટ જેવી સેવાઓ માટે અવાર નવાર કલાકો સુધી રાહ જોવી પડે છે. વિદ્યાર્થીઓ અને યુવાનોને પણ પોસ્ટલ સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડે છે.
મહેશ તિર્થાણીએ વધુમાં ઉમેરેલ કે, ગ્રામીણ વિસ્તારના લોકો માટે આ પોસ્ટ ઓફિસ એકમાત્ર બચત કેન્દ્ર છે. પરંતુ અપૂરતી સુવિધાઓને કારણે તેમને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. મહિલા બચતકર્તાઓ માટે અલગ કાઉન્ટર કે વિશેષ સુવિધાઓનો અભાવ છે.
ગાંધીધામ ચેમ્બરે પણ આ સમસ્યાઓ અંગે CPMG અમદાવાદ, PMG રાજકોટ અને SP ભુજને વારંવાર રજૂઆતો કરી છે. પોસ્ટલ વિભાગ સાથે ચેમ્બર ભવન ખાતે સંવાદસત્ર સાધવાની તૈયારી પણ દર્શાવી છે. ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજ અને માનદ મંત્રી મહેશ તિર્થાણીએ જણાવેલ કે, આ સમસ્યાઓનું સકારાત્મક રીતે તાત્કાલિક નિરાકરણ લાવવું જરૂરી છે, જેથી સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર થાય.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ કચ્છના મોટા વિસ્તારને જોતાં તેમજ પોસ્ટલ વિભાગની વિશ્વસનીયતા જળવાઈ રહે તે હેતુસર, અલગ ડિવિઝન ફાળવવા, ડિલિવરી, રીસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરને મર્જ કરવા, એક જ જોડિયા શહેરોમાં પાંચ અલગ પિનકોડને કારણે પોસ્ટલ સેવાઓ બાધિત તથા વિલંબિત થવા અંગે તેમજ ફિલ્ડ સ્ટાફ અને વહીવટી સ્ટાફની ઘટની પુર્તતા કરવા જેવી પેન્ડિંગ માંગણીઓ અંગે અપાયેલ આશ્વાસન બાબતે તાકીદે કાર્યવાહી થવા માંગ કરાયેલ છે, જે પુનઃ વિવિધ સ્તરેથી રજૂઆતો આવતા માંગ ઉચ્ચારવાની તાકીદે જરૂરિયાત જણાઈ છે.
આશા છે કે પોસ્ટલ વિભાગ આ બાબતને ગંભીરતાથી લઈને યોગ્ય પગલાં લેશે અને ગાંધીધામ-કંડલા જેવા મહત્વપૂર્ણ વિસ્તારને તેની યોગ્યતા અનુસારની સેવાઓ પૂરી પાડશે. તેવું અંતમાં માનદ મંત્રી મહેશ તિર્થાણીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.