લોકભાષા-ભુજ :
મુંદરા શહેરમાં આવેલી બે અલગ અલગ સોસાયટીમાં તસ્કરોએ ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા. ઘરોના તાળા તોડી અંદરથી 2.34,837ની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ 38 હજાર રોકડા અને એક મોબાઇલ મળી કુલે રૂપિયા 2,73,337ના મુદામાલની ચોરી કરી જતાં ચકચાર મચી ગઇ હતી. બનાવને લઇ મુંદરા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
મુંદરાના યોગેશ્વરનગરમાં રહેતા અને જી.એસ.પી.સી. એલ.એન.જી કંપનીમાં ઓફિસર તરીકે કામ કરતા રોહિતભાઇ કેશભાઇ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યું હતું. કે, રવિવારે બપોર બાદ તેઓ પરિવાર સાથે ભુજ ફરવા આવ્યા હતા. બાદમાં ભુજમાં મિત્રને ઘરે રોકાઇ ગયા હતા. સોમવારે સાંજે પરત ઘરે જતાં તેમના ઘરમાં ચોરી થઇ ગઇ હતી. દરવાજાનો નકુચો તુટેલો હતો. અંદર ઘરમાં સરસામાન વેરવિખર કરીને કોઇ અજાણ્યા શખ્સો કબાટમાંથી 29,977ની કિંમતની સોનાના ચેઇન, 11,960નું સોનાનું પેન્ડલ, 3 નંગ સોનાની વીટી, સોનાની લકકી કિંમત રૂપિયા 1,55,837 અને 30 હજાર રોકડા મળીને કુલે રૂપિયા 1,85,837ના મુદમાલની ચોરી કરી ગયા હતા. તો, બીજીતરફ મુંદરા શહેરમાં આવેલી સુંદરમ સોસાયટીમાં શેરી નંબર ચારમાં રહેતા સુરેશભાઇ દેવાભાઇ પટેલના બંધ મકાનમાં શનિવારની રાત્રે કોઇ અજાણ્યા શખ્સોએ દરવાજાનું લોક તોડી અંદર કબાટમાંથી 20 ગ્રામની સોનાની મગમાળા કિંમત રૂપિયા 65 હજાર તેમજ 8 હજાર રોકડ મળીને 73 હજારનો મુદામાલ તેમજ પાડોશીના મકાનમાંથી 200 ગ્રામની ચાંદીની ડીશ કિંમત રૂપિયા 14 હજાર અને 500 રૂપિયાના મોબાઇલ સહિત 14,500ની ચોરી કરી ગયા હતા. મુંદરા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

