લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને એક મહત્વપૂર્ણ પત્ર લખ્યો છે, જેમાં, પ્રસ્તાવિત ભુજ-રાજકોટ વચ્ચેની નવી ટ્રેન સેવા અંગે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા છે. આ પત્રમાં ચેમ્બરે કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચેના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાની આવશ્યકતા પર ખાસ ભાર મૂક્યો છે.
ચેમ્બર પ્રમુખ મહેશ પૂજના જણાવ્યા મુજબ, ચેમ્બરે કચ્છના વ્યાપારિક મહત્વને ધ્યાનમાં રાખીને, આ ટ્રેન સેવાને ટિમ્બર, નમક, પોર્ટ, સિરામિક ઉદ્યોગ અને અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટે વરદાન ગણાવી છે. તેમજ આ સેવા નિયમિત રીતે ઉપલબ્ધ થયેથી, માલ પરિવહનમાં પણ મદદરૂપ સાબિત થશે અને પ્રદેશની અર્થવ્યવસ્થાને વેગ આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સાથે, કચ્છ અને સૌરાષ્ટ્ર બંને પ્રદેશોની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને, આ ટ્રેન સેવા બંને પ્રદેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને તીર્થયાત્રાને પણ પ્રોત્સાહન આપશે, જે પ્રાદેશિક પર્યટનને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે.
આ અંગે ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ, આ સંભવિત ટ્રેનને કાયમી ચલાવવા સાથે તેની સમય સારણીમાં થોડા ફેરફાર સાથે આવકારતાં માંગ કરી હતી કે, હાલમાં મધ્ય પ્રદેશને જોડતી રાજકોટથી ભોપાલની ટ્રેન નંબર, 11463 અને 11465 (સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન) બપોરે 2:00 વાગ્યે ચાલે છે ત્યારે, સંભવિત ભુજ- રાજકોટ ટ્રેન નંબર 09445 અને 09446 કે જે, જાણવા મળેલ માહિતી અનુસાર, સવારે 6:50 વાગ્યે ભુજથી નીકળી બપોરે 13:35 વાગ્યે રાજકોટ પહોંચાડશે તેવા સમાચાર મળી રહ્યા છે. તેને ધ્યાને રાખીને, ચેમ્બરે વિનંતી કરી છે કે આ નવી ટ્રેનનું સમયપત્રક જો અડધો કલાક વહેલું કરવામાં આવે તો તે, મધ્ય પ્રદેશના ભોપાલ શહેર સુધી જતી ટ્રેન સાથે સરળતાથી કનેક્ટ થઈ શકે તેમ હોઈ મુસાફરોને આ ટ્રેનનો બેવડો લાભ મળી શકે તેમ છે.
મહેશ તીર્થાણીએ આ તબક્કે ઉમેરેલ કે, કચ્છ-સૌરાષ્ટ્ર અને ભોપાલ વચ્ચે સીધી ટ્રેન કનેક્ટિવિટી સ્થાપિત કરવાથી મહત્વપૂર્ણ લાભો જેવાકે, ત્રણેય પ્રદેશોના ઉદ્યોગો વચ્ચે સરળ જોડાણ સાથે, નવા વ્યાપારિક સંબંધોની સ્થાપના માટે વધુ તકો સર્જાશે. કચ્છનું રણ, સોમનાથ મંદિર, અને ભોપાલની તળાવોની સુંદરતા જેવા આકર્ષણો વચ્ચે સરળ પ્રવાસ સ્થાપી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવા ઉપરાંત સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળી રહેશે. તો, દ્વારકા, સોમનાથ, પાવાગઢ અને ઉજ્જૈન જેવા ધાર્મિક સ્થળો વચ્ચે સરળ આવાગમન થતાં તીર્થયાત્રીઓ માટે સુગમતા સર્જાશે.
ચેમ્બરે આશા વ્યક્ત કરી છે કે રેલવે મંત્રાલય આ સૂચનો પર ગંભીરતાથી વિચાર કરશે અને ટ્રેન સેવાને વધુ લાભદાયક બનાવવામાં કચ્છના પ્રવાસીઓ સાથે સહયોગ કરશે. આ પહેલ નિશ્ચિત રૂપે કચ્છ અને સૌરાષ્ટ્રના સમગ્ર વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જે નવી રોજગારીની તકોનું સર્જન કરવા સાથે, સામાજિક-સાંસ્કૃતિક આદાન-પ્રદાન, માળખાકીય વિકાસ, આર્થિક વિકાસ, જેવા પાસાઓને મજબુત બનાવી શકશે.
આમ, આ નવી ટ્રેન સેવા શરુ કરી નિયમિત કરાય સાથે, ચેમ્બરની વ્યાજબી માંગ મુજબ તેને ભુજ-રાજકોટ સાથેની સોમનાથ-જબલપુર ટ્રેન (રાજકોટ-ભોપાલ) થી જોડવામાં આવે તો, માત્ર બે પ્રદેશો વચ્ચેની યાત્રાને સુગમ બનાવશે એટલું જ નહીં, પરંતુ તે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સંબંધોને પણ મજબૂત કરશે. આ પહેલ પ્રાદેશિક સંપર્ક અને વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેવો પત્રમાં નિવેદન સહ અનુરોધ કરાયો છે, તેવું એક અખબારી યાદીમાં ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવેલ હતું.


