લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામમાથી લગ્નની લાલચ અપહરણ કરી સગીર સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ગાંધીધામની એડીશનલ સેશન્સ કોર્ટે દશ વર્ષની સખત કેદની સજા અને ૪૦ હજારનો દંડ ફટકાર્યો હતો.
આ કેસની મળતી વિગતો મુજબ, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા સગીર વયની દીકરીને આરોપી ઈશ્વર નરસિંહભાઈ પરમાર રહે કાર્ગો, એકતાનગર ઝુપડા, ગાંધીધામ -કચ્છ, હાલે-ગામ સાવડી, નારોલ હરીનગર, અમદાવાદ તા. 12/05/2022 ના રોજ અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી.
ફરિયાદી પોતાના ગામ લગ્ન પ્રસંગે ગયેલા હતા તે સમયે આશરે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં તેમને જાણવા મળેલ કે તેમની દીકરી ઝોનમાં ગયેલી હતી અને ત્યાંથી પરત આવેલી નથી જેની શોધખોળ કરતા મળેલ નહીં. દરમિયાન ઝોનમાં મારુતિ કંપનીની આગળથી આરોપી ઈશ્વર નરસિંહભાઈ પરમાર રહે એકતા નગર, ગાંધીધામ વાળાએ તેમની સગીરવયની દીકરીને તેની સાથે બદકામ કરવાના ઇરાદે, લાલચાવી ફોસલાવી તેમના વાલીપણામાંથી પોતાની સાથે લઈ ગયો હોવાનુ જાણવા મળતા ફરિયાદ નોંધાવી હતી
પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યા બાદ સ્પેશિયલ પોકસો કોર્ટમાં કેસ ચલાવવામાં આવતા 14 સાહેદો તથા 32 જેટલા દસ્તાવેજી આધારો રજૂ કરવામાં આવ્યા હતા. તમામ કાર્યવાહીના અંતે બંને પક્ષકારો તરફથી પોતાની મૌખિક રજૂઆતો કોર્ટ સમક્ષ કરવામાં આવતા કોર્ટે આરોપી વિરુદ્ધ શંકા રહીત કેસ સાબિત માન્યો હતો.
આરોપી ઈશ્વર નરસિંહભાઈ પરમારને એડિશનલ સેશન્સ જજ બી.જી.ગોલાનીએ દસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 40,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો જેમાથી રૂપિયા 35,000 ભોગ બનનાર આપવા હુકમ થયેલ તથા ભોગ બનનારને સરકારી સહાય પેટે રૂપિયા 1,00,000 નું વળતર આપવાનો હુકમ કરવામાં આવેલ આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ તરીકે કુમારી હિતેશી પી. ગઢવી હાજર રહેલા હતા.

