લોકભાષા-ગાંધીધામ :
કચ્છ જિલ્લાની પશુપાલકોની જીવાદોરી અને નિયમિત આવકનો પર્યાય બની ચૂકેલ જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા કચ્છ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ ની તુલનામાં વર્ષ ૨૦૨૪-૨૫ ના ટર્ન ઓવરમાં 9.09% નો વધારો થયો છે. તેમજ દૂધ સંપાદનમાં ગત વર્ષની તુલનામાં 8.71% નો વધારો થયો છે.
સરહદ ડેરી દ્વારા વર્ષ 2023-24 ના નાણાકીય વર્ષમાં દૈનિક 4,42,901 લી. પ્રતિદિન દૂધ ઉત્પાદન સાથે ટર્નઓવર 1100 કરોડ થયેલ હતું જે વર્ષ 2024-25 માં દૈનિક 4,81,471 લિટર દૂધ અને 1200 કરોડ (પ્રો) રૂપિયા નું વાર્ષિક ઊથલો નોંધાવેલ છે. જે ગત નાણાકીય વર્ષ ની તુલનામાં ઊથલામાં 9.09% નો વધારો તેમજ દૂધ સંપાદનમાં 8.71% નો વધારો દર્શાવે છે. આ પ્રકારે વિક્રમજનક ઐતિહાસિક ટર્નઑવર નોંધાયું છે તથા મહત્તમ દૂધ સંપાદન 5 લાખ 61 હજાર થયેલ છે જે કચ્છ ના પશુપાલકો માટે નવો જ કીર્તિમાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઊંટડી ના દૂધ માં પણ ચાલુ વર્ષે દૈનિક 4754 લિટર પ્રતિ દિન જેટલું ઊંટડી ના દૂધ નું ઉત્પાદન થયેલ છે તથા 9 કરોડ રૂ. વર્ષ દરમિયાન ઊંટપાલકોને ચૂકવેલ છે. જે પુરવાર કરે છે કે ઊંટપાલકો ના જીવનધોરણ નું ઊંચું લઈ જવામાં સરહદ ડેરી મહત્વ નો ભાગ ભજવી રહી છે.
કોઈ પણ એક જીલ્લામાં ઊંટપાલકોને વર્ષ દરમિયાન 9 કરોડ રૂ. ચુકવ્યા હોય તેવી દેશની પ્રથમ ઘટના છે જે સરહદ ડેરી ના કારણે શક્ય બન્યું છે.
આઇસ્ક્રીમ પ્લાન્ટ વિષે વાત કરીએ તો માત્ર ૧ વર્ષ ના ટૂંકા સમયગાળા માં ૫૦ વેરાયટી નું ઉત્પાદન કરવામાં આવ્યું છે 58000 લિટર મહત્તમ ડિસપેચ કરેલ જે કચ્છ જીલ્લા માં સૌથી વધારે છે જે કચ્છ ના એક માત્ર અમૂલ આઇસ્ક્રીમ પ્લાન્ટ નું 100% વપરાશ દર્શાવે છે. ચાલુ વર્ષે 100 થી વધુ વેરાયટી બનાવવાનું લક્ષ્યાંક છે.
દૂધ પ્લાન્ટ વિષે વાત કરીએ તો વર્ષ દરમિયાન 5 નવી દૂધ ની આઈટમ લોન્ચ કરવામાં આવી હતી. તથા ગત વર્ષ ની સરખામણી એ દૂધ તથા દૂધ વેચાણ ની વસ્તુઓમાં 16% નો વધારો જોવા મળેલ છે. જે અમૂલ પ્રોડક્ટ તથા સરહદ ડેરી ના પ્લાન્ટ નો મહત્તમ વપરાશ દર્શાવે છે.
આ બાબતે અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે દૂધ સંઘ દ્વારા પશુપાલકોના સાથ અને સહકારથી દૂધ સંઘ દ્વારા સિધ્ધી હાંસલ કરેલ છે અને ચાલુ વર્ષે ગુજરાત તથા કેન્દ્ર સરકારના સહયોગથી કચ્છ જીલ્લા માં છેવાડા સુધી નર્મદા ના નીર આવ્યેથી પિયતનો લાભ ખેડૂતો તથા પશુપાલકો ને મળતા આગામી વર્ષ માં દૂધ સંઘ દ્વારા 1400 કરોડના વાર્ષિક ઊથલાનો લક્ષ્ય રાખી અને આગળ વધવા જણાવ્યુ છે. દૂધ સંઘ દ્વારા વખતો વખત પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતાર્થે વિવિધ નિર્ણયો લેવામાં આવે છે.
આ વિક્રમજનક ઐતિહાસિક ટર્નઓવર માટે વલમજીભાઈ હુંબલે તમામ પશુપાલકો, મંડળી ના પ્રમુખ/મંત્રી/સંચાલકો, ડાયરેક્ટરઓ, સાંસદસભ્ય વિનોદભાઈ ચાવડા, કચ્છ ભાજપ પમુખ દેવજીભાઇ વરચંદ, તમામ ધારાસભ્યઓ, સંગઠનના પદાધિકારીઓ, અમૂલ ફેડરેશન, અધિકારીઓ, કર્મચારીઓ, ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં આવો જ વિકાસરૂપી સહકાર મળતો રહે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


