લોકભાષા-ભુજ :
સસ્તા સોનાના નામે દેશભરમાં ઠગાઇ કરવાના અલગ અલગ દસ ગુનાઓને અંજામ આપીને કરોડોની મિલ્કત વસાવનારા ભુજના કુખ્યાત ચીટર બે સગા ભાઇઓ સામે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એલસીબીએ ધરપકડ કરીને તેમના વિરૂધ્ધ સંગઠીત ગેંગનો ગુનો નોંધાવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ કુખ્યાત ચીટર સિકંદર ઉર્ફે સિકલો ઉર્ફે મૌલાના જુસબ ઇસ્માઈલ સોઢાએ પોતાના સાગરીતો સાથે મળી સતત ગેરકાયદે પ્રવૃતિઓ કરીને પોતાની ટોળકી બનાવી ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીઓને વિશ્વાસમાં લઇ સસ્તા સોનાના નામે ઠગાઇ કરી અલગ અલગ દસ ગુનાઓમાં રૂપિયા 1,07,08,500ની છેતરપીંડી કરી હતી. આમ સંગઠીત ગુના કરીને મેળવેલા રૂપિયાથી પોતાના સગા ભાઇ રહીમનગરમાં રહેતા રફીક જુસબ સોઢાના નામે કુલે પાંચ વાહનો વસાવ્યા હતા. રફીક જુસબ સોઢા (ઉ.વ.26)ને આ વાહનો બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી બેનામી મિલ્કત સંદર્ભે સિકંદર અને રફીક સામે ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં એલસીબી પીએસઆઈ હિતેશકુમાર જેઠીએ ફરિયાદ નોંધાવી છે. જેની આગળની તપાસ એલસીબી દ્વારા હાથ ધરાઇ છે.


