લોકભાષા-ભુજ :
કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને લઈને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપરની મુલાકાત લઈને ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી.
આરોગ્ય મંત્રીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફૂલમાલી પાસેથી વિગતો મેળવીને પરિસ્થિતિ મુજબ સ્ક્રીનીંગ અને ટેસ્ટ કરવા સૂચના આપી હતી. આરોગ્ય મંત્રીએ દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના હાલચાલ પૂછીને રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરીને તમામ પગલા લઈ રહી હોવાનો દર્દીઓને વિશ્વાસ અપાવ્યો હતો.
આ મુલાકાત દરમિયાન કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અગ્રણી દેવજીભાઈ વરચંદ, ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, તાલીમી સનદી અધિકારી ઈ.સુસ્મિતા, પ્રાંત અધિકારી સૂરજ સુથાર સહિત તાલુકાના પદાધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.