લોકભાષા-ભુજ :
ગ્રામ્યવિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપટીકાર્ડ આપવાના આશયથી અમલી થયેલી સ્વામિત્વ યોજના અંતર્ગત આજરોજ સમગ્ર ભારતમાં ૫૦ હજાર ગામોના ૬૫ લાખ પ્રોપર્ટી ધારકોને હાથોહાથ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાના કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાનો સ્વામિત્વ પ્રોપટી કાર્ડ ઇ-વિતરણ કાર્યક્રમ ભુજ સ્મૃતિવન ઓડીટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતમાં કચ્છના ત્રણ તાલુકાના ૧૨ ગામના ૧૧૭૪ લાભાર્થીઓને પ્રોપર્ટીકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને દેશભરના લાભાર્થીઓ સાથે સંવાદ કરીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, સ્વામિત્વ યોજના થકી લાભાર્થીઓની આકાંક્ષાઓને નવી પાંખો મળી છે, પ્રધાનમંત્રીએ પ્રોપર્ટી કાર્ડને આર્થિક સુરક્ષાની ગેરંટી ગણાવીને આફતમાં આ યોજના થકી વધુ સારી રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ થઇ શકશે તેવું જણાવતા તેમણે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા તથા ભારતના વિકાસમાં સક્રીય ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી.
કચ્છ જિલ્લાના કુલ ૮૬૩ ગામોનો સ્વામિત્વ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કામગીરી પૂર્ણ થયાથી ૧૦ તાલુકાના ૨ લાખથી વધુ મિલ્કત ધારકોને પ્રોપર્ટી કાર્ડનો લાભ મળશે તેવું જણાવતા કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ ઉમેર્યું હતું કે, દેશના ગ્રામીણ વિસ્તારમાં વસતા લોકોને પોતાની મિલ્કતનો કાયદેસરનો અધિકાર મળે અને તેના થકી તે આનુસંગિક લાભ મેળવી શકે તેવા આશયથી વિકસિત ભારતના સ્વપ્નદષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આ મહત્વપૂર્ણ યોજના અમલી કરાઇ છે. જે ગામડાઓની કાયાકલ્પ સાથે ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ બનશે. તેઓ વધુમાં જણાવ્યું હતું કે, દેશની સુખાકારી વધે તે માટે પ્રધાનમંત્રી સતત પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે જ વિવિધ યોજનાઓ અમલી કરાઇ છે, જેનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચી રહ્યો છે. તેમણે પ્રોપર્ટી કાર્ડ મળવાથી આંતરીક કલેશ, દબાણના પ્રશ્નો દૂર થવા સાથે બેંકલોન મેળવવી જેવા અનેક લાભ મળશે તેવું જણાવીને દરેક નાગરિકને જાગૃતતા સાથે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય અનિરુધ્ધભાઇ દવેએ જણાવ્યું હતું કે, સ્વામિત્વ યોજના થકી ગ્રામઉદયથી ભારતઉદયનો સપનું સાકાર થશે, લોકોને મિલ્કત હક્ક સાથે હદો નકકી થવાથી પારિવારીક ઝગડાનો અંત આવશે. મિલ્કતધારકો પોતાની મિલ્કત પર સરળતાથી લોન મેળવીને પોતાનો આર્થિક વિકાસ કરી શકશે. આમ, વડાપ્રધાનશ્રીના છેવાડાના માનવીની સતત ચિંતા અને પ્રયાસ થકી વિકાસના ફળ સાચા અર્થમાં લોકોને પ્રાપ્ત થઇ રહ્યા છે જેનાથી લોકોમાં ખુશીની લહેર ફેલાઇ છે.
આ ટાંકણે ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન પંચનિષ્ઠાના આધાર પર સતત કાર્યશીલ છે. જેના પરીપાકરૂપે સ્વામિત્વ યોજના થકી કરોડો લોકોને મિલ્કતના કાયદેસરના અધિકાર પ્રાપ્ત થશે. આ હક્કથી મહિલા સશકિતકરણ સાથે ગામમાં મિલ્કતના ક્ષેત્રફળ નક્કી થતાં દબાણના પ્રશ્ન, અશાંતિ દુર થશે. લોકોની સુખાકારીમાં વધારો થશે. સરકાર દ્વારા પણ વિકાસના કામો કરવામાં વધુ સરળતા ઉભી થશે.
ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, આ યોજનાના અમલીકરણથી કચ્છમાં વર્ષોથી વસવાટ કરતા અનેક ગ્રામીણ લોકોને પોતાની જમીન પર માલિકી હક્ક મળતા પરિવારોમાં ખુશીનો માહોલ છે. આ યોજના અંતર્ગત હજુપણ આનુસંગિક સુધારા વધારા કરીને પ્રશ્નો ઉકેલવા સરકાર કટિબધ્ધ છે.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ગ્રામીણ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ તથા સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ સાથે સ્મૃતિવન ખાતે “ એક પેડ મા કે નામ” કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત સાથે સ્વામિત્વ યોજના અંગે ઉપસ્થિતોને જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિએ માહિતી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ વરસાણી, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, કલેકટર અમિત અરોરા, અધિક કલેકટર મિતેશ પંડ્યા, ડીઆરડીએના ડાયરેકટર નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ તથા મોટી સંખ્યામાં ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા નિરીક્ષક જમીન દફતર એચ. એસ. રબારી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.