લોકભાષા-આણંદપર :
ગુજરાતનાં પ્રસિધ્ધ યાત્રા સ્થાન સતપંથ સંપ્રદાયનાં અમદાવાદ સ્થિત પ્રેરણા પીઠ કલ્કિ ધામની કુંભ શિબિર ખાતે એક સૂરમાં ભારતનાં સંત સમાજે વર્શિપ એક્ટ , વકફ એક્ટની સમાપ્તિ સાથે કાશીમાં બાબા વિશ્વનાથ અને મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિને કોઈપણ ભોગે હસ્તગત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
અખિલ ભારતીય સંત સમિતિની મહત્વપૂર્ણ બેઠક ખાતે સંતો એ ઘોષણા કરી હતી કે સનાતન હિન્દુઓ ની જનસંખ્યા વધારવાના ઉદ્દેશ્ય સાથે સંતો ગામેગામ ફરી જનજાગરણ યાત્રા કરશે અને સનાતન સમાજને આ માટે તૈયાર કરશે.
કાર્યક્રમના પ્રારંભમાં જગદગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદેવાચાર્યજી મહારાજે અને અન્ય સંતોએ બ્રહ્મલીન જગદગુરુ રામાનંદાચાર્ય હંસદેવાચાર્યજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ૨૦ નંબર સેક્ટરમાં આયોજિત આ વિશાળ શિબિર ખાતે સવાર થી રાત સુધી ભંડારો અને આરોગ્ય ચિકિત્સાની સુવિદ્યા ચાલુ છે. આ બેઠકમાં સર્વ સંમતિથી રાષ્ટ્રીય અધ્યક્ષ પદે પુનઃ જગદગુરુ અવિચલદેવાચાર્યજી મહારાજની અને રાષ્ટ્રીય મહામંત્રી પદે પુનઃ સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતીજી મહારાજની નિમણુક કરવામાં આવી હતી. આ બન્ને પૂજ્ય સંતોનો કાર્યકાળ ૨૦૨૮નાં ઉજ્જૈન કુંભ સુધી રહેશે.
આજની આ અતિ મહત્વપૂર્ણ બેઠકમાં કેટલાક પ્રસ્તાવો પર સંતો એ સર્વસંમતિ દર્શાવી હતી.જેમાં પંચ પરીવર્તન અર્થાત પર્યાવરણ સંરક્ષણ વૃક્ષ,જલ સંરક્ષણ અને પ્લાસ્ટીક બહિષ્કાર,કુટુંબ પ્રબોધન,કુરીતીઓની નાબૂદી,સંસ્કારોનું દ્રઢીકરણ,પારિવારિક સાપ્તાહિક સત્સંગ, કુટુંબોમાં એકબીજા માટે પ્રતિદાયિત્વનું નિર્વહન, પ્રતિ દંપતી ત્રણ સંતાન, સામાજીક સમરસતા, સ્વ નું સ્વાભિમાન તથા સારા નાગરિકનું રાષ્ટ્ર માટે કર્તવ્ય જેવા વિષયોનો સમાવેશ કરાયો હતો.
સતપંથના ટ્રસ્ટી દેવજીભાઈ પટેલના જણાવ્યા મુજબ સમિતિની બેઠક બાદ જગદગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદેવાચાર્યજી મહારાજજી ની પ્રેરણાથી
સતપંથ રત્ન જનાર્દન હરીજી મહારાજ,જગન્નાથ ધામના મહંત સ્વામી અરુણદાસજી મહારાજ અને દેવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં કેમ્પનું અને ભંડારાનું સફળ આયોજન થઇ રહ્યું છે.
સમિતીની આ બેઠકમાં પૂજ્ય સતપંથાચાર્ય જી, નિર્દેશક સ્વામી હંસાનંદ તીર્થજી,રાષ્ટ્રીય મહામંત્રી મહામંડલેશ્વર મનમોહનદાસજી મહારાજ રાધે રાધે બાબા,રાષ્ટ્રીય કોષાધ્યક્ષ સ્વામી જનાર્દનહરિજી મહારાજ, રાષ્ટ્રીય સંગઠન મંત્રી મહર્ષિ અંજનેશાનંદ સરસ્વતીજી,મહંત અરુણદાસજી મહારાજ સમેત રાષ્ટ્રીય કાર્યકારિણીનાં સદસ્યો તથા દરેક પ્રદેશોના પ્રદેશ અઘ્યક્ષ અને મહામંત્રી ઉપસ્થિત હતાં.એવું નિષ્કલંકી(કલ્કિ) નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠના પ્રમુખ દેવજીભાઈ ભાવાણી આણંદસર(મંજલ) વાળાએ જણાવ્યું હતું.