લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના ઉદ્યોગ મંત્રી સમક્ષ મીઠીરોહર જીઆઈડીસી વિસ્તારની ગંભીર સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં 200થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જેમાં વાર્ષિક 100 કરોડ રૂપિયાથી વધુનું ઉત્પાદન થાય છે અને લગભગ 5,000થી વધુ કામદારો અને કર્મચારીઓ રોજગાર મેળવે છે. પરંતુ રસ્તાઓની બિસ્માર સ્થિતિને કારણે માલની હેરફેર અને કામદારોની અવરજવરમાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કચ્છ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં કાર્યરત ગાંધીધામ આજુબાજુનો સમગ્ર વિસ્તાર, કંડલા પોર્ટ અને દેશના સૌથી મોટા રેલવે જંક્શનમાંના એક એવા ગાંધીધામ રેલવે સ્ટેશનની આસપાસ હોઈ અહીં, વિશાળ ઔદ્યોગિક વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે. ત્યારે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે સમુદ્રી માર્ગની સુવિધા અને દેશભરમાં માલની હેરફેર માટે રેલવે નેટવર્કની ઉપલબ્ધતા, પૂર્વ કચ્છને ગુજરાતનું નવું ઔદ્યોગિક કેન્દ્ર બનાવવા માટે આદર્શ સ્થિતિમાં મૂકી શકે તેમ હોઈ આ પ્રશ્ને સમસ્યાઓનું નિવારણ લાવવા નમ્ર અપીલ કરાઇ છે.
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પૂર્વ કચ્છમાં સ્થાપિત ઔદ્યોગિક એકમોની સંખ્યા અને તેમની ઉત્પાદન ક્ષમતા સતત વધી રહી છે. ગાંધીધામ-કંડલા પોર્ટ કોરિડોર પર આયાત-નિકાસ આધારિત ઉદ્યોગો, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ સેક્ટરનો પણ અદભૂત વિકાસ થઈ રહ્યો છે. આ વિકાસને વેગ આપવા માટે એકતરફ નવી જીઆઈડીસી અત્યંત આવશ્યક છે. તેવા સંજોગોમાં હયાત જીઆઇડીસીઓની સમસ્યાઓ પ્રત્યે ત્વરિત કાર્યવાહી આદરવા વિનંતી કરાઇ છે.
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, મીઠીરોહર જીઆઈડીસી વિસ્તારની ગંભીર સમસ્યાઓ અને અસુવિધાઓને કારણે, વાહનોને નુકસાન થવું, માલની હેરફેરમાં વિલંબ થવો અને કામદારોની સલામતી જોખમાવા જેવી ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. ગટર અને ડ્રેનેજ સિસ્ટમની અપૂરતી સુવિધાઓ પણ વધારાની સમસ્યાઓ સર્જી રહી છે. સાથે લાઇટ ની પણ પૂરતી સુવિધાઓ જરૂરી બની છે.
ગાંધીધામ ચેમ્બર દ્વારા આ અગાઉ પણ, ધ્રબ (મુન્દ્રા) તેમજ ગાંધીધામ જીઆઈડીસી વિસ્તારમાં પણ માળખાકીય સુવિધાઓના અભાવની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી. અને આ સમસ્યાઓના નિવારણ માટે મુખ્ય રસ્તાઓનું તાત્કાલિક રિસરફેસિંગ, ગટર અને ડ્રેનેજ સિસ્ટમનું સમારકામ અને નવીનીકરણ, જરૂરી સ્થળોએ નવા રસ્તાઓનું નિર્માણ અને સ્ટ્રીટ લાઇટીંગની પૂરતી વ્યવસ્થા કરવી અત્યંત આવશ્યક હોવાનું જણાવાયું હતું.
મહેશ તિર્થાણીએ અંતમાં જણાવ્યું કે, આ સમસ્યાઓના નિવારણ માટે સરકાર તાત્કાલિક પગલાં લે તે અત્યંત જરૂરી છે અને સમય ની માંગ છે. વિસ્તારના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે માળખાકીય સુવિધાઓનું મજબૂતીકરણ આવશ્યક છે, જેથી ઉદ્યોગકારો અને કામદારોને પડતી મુશ્કેલીઓનું નિવારણ થઈ શકે. તેવું એક અખબારી યાદીમાં ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

