લોકભાષા-ભુજ :
૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની કચ્છની જિલ્લાકક્ષાની ઉજવણી નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે અધિક કલેક્ટર મિતેષ પંડ્યાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું.
રિહર્સલ દરમિયાન અધિક કલેકટર મિતેષ પંડ્યાએ ધ્વજ વંદન કરીને તિરંગાને સલામી આપી હતી. પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને અધિક કલેક્ટરએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ, માર્ચ પાસ્ટ અને ટેબ્લો નિરીક્ષણ, મહાનુભાવનું ઉદ્ભોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિને અધિક કલેક્ટરે નિહાળી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આયોજનની વિગતો મેળવી હતી. પ્રજાસત્તાક પર્વ નિમિત્તેના મિનિટ ટુ મિનિટ ધ્વજ વંદન રિહર્સલ કાર્યક્રમને અધિક કલેક્ટરે નિહાળ્યો હતો.
આ પ્રસંગે પ્રાંત અધિકારી સૂરજ સુથાર, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, નખત્રાણા મામલતદાર બી.આર.શાહ, તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કર, ચીફ ઓફિસર ભાવીન કાંધાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.