લોકભાષા-ભુજ :
નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે સોની વેપારી પર હુમલો અને સોનાના દાગીનાની લૂંટ ચલાવવાના કેસમાં એસઓજીએ ભુજ તાલુકાના દેઢીયા જુણા ગામના બે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ એલસીબીની ટીમે ભુજના એરફોર્સ સ્ટેશન સામે આવેલા સીમાડામાં ઝાડીમાં છુપાયેલા ત્રીજા અને મુખ્ય આરોપીને લૂંટના દાગીના સાથે ઝડપી પાડ્યો હતો.
ગત 18મીના રાત્રે કોટડા જડોદર ગામે નવાવાસની એક શેરીમાં એક્ટિવા પર જઇ રહેલા નિલેશ રમેશભાઇ સોનીનો સ્વીફ્ટ કારથી પીછો કરીને 48 તોલાના 480 ગ્રામ સોનાના દાગીનાની લૂંટ ચલાવીને છરી વળે જમણા હાથ પર જીવલેણ હુમલો કરવાના કેસમાં દેઢીયા જુણા ગામના નાલે મીઠા સકુર સમા અને મુસ્તાક પચાણ મલુક સમા નામના બે આરોપીઓને એસઓજીએ લોરીયા ચેકપોસ્ટ પરથી ઝડપી પાડ્યા હતા. દરમિયાન એલસીબીને બાતમી મળી હતી. કે, આ કેસનો મુખ્ય આરોપી મુળ અબડાસા તાલુકાના બાલાપર સુડધ્રો ગામનો અને હાલે મોટી વમોટી ગામે રહેતો અબ્દુલા આમદ હિંગોરજા કે, જે મામદ સિધીક હિંગોરજા તરીકે ઓળખાય છે. તે આરોપી હાલ ભુજ સંજોગનગરમાં રહેતો આરોપી ભુજ એરફોર્સ સ્ટેશનના ગેટ સામે કાચા રસ્તા પર ગટર વાડી નદીની બાજુમાં બાવડની ઝાડીમાં લંગીમાં લૂંટના દાગીનાઓ બાંધીને છુપાયેલો છે. જેથી એલસીબીની ટીમે આરોપીને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. આરોપી અબ્દુલા આમદ હિંગોરજાએ પોલીસને જણાવ્યું હતું. કે, તે નાલે મીઠા સકુર સમા અને મુસ્તાક પચાણ મલુક સમા ત્રણે સાથે મળીને નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર લઇને કોટડા જડોદર ગામે નવાવાસમાં સોની વેપારીની દુકાન પાસે કારમાં બેઠા હતા. સોની વેપારી એક્ટિવા પર થેલો લઇને નીકળ્યો ત્યારે લૂંટના ઇરાદે તેનો પીછો કરીને છરીથી હુમલો કરીને લૂંટ ચાલાવી કારમાં બેસી નાસી ગયા બાદ ત્રણેય જણાઓએ દાગીનાનો ભાગ પાડી લીધો હતો. એલસીબીએ આરોપીને આગળની કાર્યવાહી માટે નખત્રાણા પોલીસને સોંપ્યો હતો.
બોક્ષ : આરોપીઓની ઓળખ અને ડેમોટ્રેશન કરવામાં આવશે
નખત્રાણા પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.મકવાણાએ જણાવ્યું હતું. લૂંટના કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓની આજે અટકાયત બતાવીને વેપારી સાથે ઓળખ પરેડ કરવામાં આવેશ તેમજ ઘટનાનું ડેમોટ્રેશન કરીને રિમાન્ડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.