લોકભાષા-ભુજ :
ભુજ ભચાઉ હાઇવે પર કનૈયાબે ગામ પાસે સોમવારના પરોઢે ઉમેલા ડમ્પર પાછળ ધડાકા સાથે બાઇક અથડાતાં ભુજના યુવકનું ગંભીર ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું. રોડ પર પાર્કિંગ લાઇટ કે આડસ મુક્યા વીના ગાડી પાર્ક કરનાર ચાલક સામે પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.
ભુજના મદીનાનગર-2માં રહેતા મુસ્તફા ઉર્ફે મુસ્તાક મહમદહુશેન છુછીયાએ પધ્ધર પોલીસ મથકે ડમ્પર ચાલક વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. બનાવ ગત 27મી જાન્યુઆરીના રોજ પરોઢે સવા ચાર વાગ્યાના અરસામાં કનૈયાબે ગામ નજીક પેટ્રોલ પંપ પાસે બન્યો હતો. ફરિયાદીના મોટા ભાઇ ઇજાજ ઉર્ફે અહેજાજ મહમદહુશેન છુછીયા (ઉ.વ.24) પોતાના કબજાની મોટર સાયકલ પર અંજારથી ભુજ આવી રહ્યા હતા. ત્યારે કનૈયાબે ગામ પાસે ડમ્પર પાછળ બાઇક અથડાતાં માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે તેમનું મોત નીપજ્યું હતું. પધ્ધર પોલીસે ડમ્પરના ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.