લોકભાષા-ભુજ :
પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે. જેમાં મુંદરા તાલુકાના નાની તુંબડી ગામે યુવાને અકડ કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે ભુજમાં તાપણું કરતા દાઝેલા વૃધ્ધ અને અર્ધ શરીરે બળી ગયેલા અજાણ્યા પુરૂષનું સારવારમાં મોત નીપજ્યું હતું. તો, લખપત તાલુકાના કોટડામઢ ગામે બાઇક પરથી પડી જતાં ગંભીર રીતે ઘાયલ મહિલાએ દમ તોડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મુંદરા તાલુકાના નાની તુંબડી ગામે રહેતા 22 વર્ષીય અનિલ હીરજીભાઇ દનિચા નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર બુધવારે સાંજે પોતાના ઘરમાં ઉપરના માળે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પ્રાગપર પોલીસે બનાવની નોંધ લઇ યુવકના આપઘાત પાછળના કારણો જાણવા પીએસઆઇ એમ.કે.દામાએ આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે લખપત તાલુકાના કોટડામઢ ગામે રહેતા 32 વર્ષી હવાબાઇ ઉમર રાયમા નામના મહિલા મજુરી કામથી સાથે કામ કરતા યુવક સાથે બુધવારે સાંજે મોટર સાયકલ પર આવી રહ્યા હતા. ત્યારે ડડરાણી નજીક બાઇક પરથી પડી જવાથી મહિલાને માથામાં હેમરેજ જેવી ઇજા પહોંચી હતી. જેમને સારવાર માટે દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. દયાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી છે. તો, ભુજના ભામણાપીર ફળિયામાં રહેતા 71 વર્ષીય સુર્યકાંત દામજીભાઇ જેઠી ગત 24મી જાન્યુઆરીના સાંજે તાપણું કરી રહ્યા હતા. ત્યારે આગમાં દાઝી ગયા હતા. જેમને સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ સીવીલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બુધવારે સવારે અંતિમ શ્વાસ લીધો હતો. તો, બીજી તરફ ગત 21મીના ભુજમાં રેલ્વે સ્ટેશન નજીક અમનનગર ચાર રસ્તા પાસે ઉકરડામાં નગ્ન હાલતમાં અર્ધ બળેલી હાલતમાં મળી આવેલા 40 વર્ષના અજાણ્યા પૂરૂષનું મંગળવારે મોડી રાત્રે મોત નીપજ્યું હતું. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી હતી.