લોકભાષા-ગાંધીધામ :
આજનો યુગ ડિજિટલ ક્રાંતિનો યુગ ગણાય છે. આ વાસ્તવિકતાને સ્વીકારીને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ એક મહત્વાકાંક્ષી પહેલ હાથ ધરી હતી. CySec Shield LLP, અમદાવાદ સાથે મળીને આયોજિત વિશેષ સેમિનારમાં કચ્છના અગ્રણી વ્યવસાયકારો અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. ચેમ્બર ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આધુનિક ટેકનોલોજીના ત્રણ મહત્વપૂર્ણ પાસાંઓ – કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ), સાયબર સિક્યોરિટી અને ડિજિટલ માર્કેટિંગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જે આધુનિક વ્યવસાયની કરોડરજ્જુ સમાન ગણાવાયું છે.
આજે એઆઈ માત્ર એક ટેકનોલોજી નથી, પરંતુ વ્યવસાયિક ક્રાંતિનું વાહક બની ગયું છે. જીસીસીઆઈના ઉપપ્રમુખ દિપક પારેખે સ્વાગત વક્તવ્યમાં સહુને અવકારતાં તેમના શબ્દોમાં જણાવેલ કે, “કચ્છનો વ્યવસાયિક સમાજ વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહે તે માટે, એઆઈનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે.” ગ્રાહક સેવાથી માંડીને ઉત્પાદન પ્રક્રિયા સુધી, એઆઈ આજે દરેક ક્ષેત્રમાં નવા માપદંડો સ્થાપી રહ્યું છે. વિશેષ કરીને નાના અને મધ્યમ વ્યવસાયો માટે એઆઈ એક ગેમ-ચેન્જર સાબિત થઈ રહ્યું છે, જે તેમને મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરવામાં મદદ કરે છે. તેઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વ્યવસાયનું નવું ચાલકબળ ગણાવ્યું હતું.
ભારતના ટોચના એથિકલ હેકર્સમાંના એક ફાલ્ગુન રાઠોડે એઆઈના વ્યવહારિક ઉપયોગો સમજાવતાં જણાવેલ કે, સાયબર સિક્યોરિટી એ આજના ડિજિટલ યુગની અનિવાર્યતા બની રહેલ છે અને, ટેકનોલોજી ની સારી તથા નરસી બેઉ બાજુની અસરો થી જાગૃત રહીને જરૂરિયાતને સ્વીકારી, ડીજીટલી સાક્ષર બનવા જણાવેલ. આજે જ્યારે અલગ અલગ પ્રકારના સાયબર એટેક થઈ રહ્યા છે ત્યારે, ભોગ બનનારે નિઃસંકોચ પણે અને ત્વરિત રીતે સામે આવી ફરિયાદ કરવા પર ભાર મુકેલ. જેથી અન્યો તેનો શિકાર ના બને. તેમજ ખાસ તો ડિજિટલ એરેસ્ટ અને ફેક કોલ સાથે નાણાકીય લેવડ દેવડમાં સુરક્ષા સાથે આગળ વધવા તથા, તેના કાનૂની પાસા અંગે માર્ગદર્શન આપી માહિતગાર કર્યા હતા.
ડિજિટલ વ્યવહારોની વૃદ્ધિ સાથે સાયબર સુરક્ષાનું મહત્વ પણ વધ્યું છે. છેલ્લા વર્ષમાં ભારતમાં સાયબર હુમલાઓમાં 40ટકાનો વધારો થયો છે, જે ચિંતાજનક આંકડો છે. સ્ટાર્ટ-અપ નિષ્ણાત બિનુ પિલ્લઈએ જણાવેલ કે, “આજે દરેક વ્યવસાય ડિજિટલ છે, પછી તે રિટેલ હોય કે મેન્યુફેક્ચરિંગ. આવા સમયે સાયબર સુરક્ષા એ લક્ઝરી નહીં, પરંતુ આવશ્યકતા છે.” ગાંધીધામ ચેમ્બરે આ દિશામાં સાયબર સુરક્ષા અંગે જે જાગૃતિ દર્શાવી છે તેને સરાહનીય ગણાવી હતી
આંકડાઓ દર્શાવે છે કે 85% ગ્રાહકો ખરીદી પહેલા ઇન્ટરનેટ પર માહિતી શોધે છે. CySec Shield ના સંસ્થાપક અને 15 વર્ષના અનુભવી ભૂમિકા પાઠકે જણાવેલ કે, “ડિજિટલ માર્કેટિંગ હવે વૈકલ્પિક નથી રહ્યું. નવા યુગનું અનિવાર્ય માર્કેટિંગ બની રહ્યું હોઈ તેને, વ્યવસાય વૃદ્ધિનું મુખ્ય માધ્યમ બનાવવા અપીલ કરેલ. સોશિયલ મીડિયા, સર્ચ એન્જિન માર્કેટિંગ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ આજે વ્યવસાય વૃદ્ધિના મુખ્ય વાહકો બની ગયા છે તેમ તેઓએ અંતમાં ઉમેરેલ.
ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે તેમના શુભેચ્છા સંદેશમાં જણાવેલ કે, કચ્છના વ્યવસાયિક જગતને ડિજિટલ યુગમાં આગળ વધવામાં આ સેમિનાર ચોક્કસ મદદરૂપ સાબિત થશે તેમજ ભવિષ્યમાં આ બાબતે હજુ પણ જરૂર જણાય તો, હેલ્પ ડેસ્કના માધ્યમ થી ચેમ્બર વ્યવસાયકારોને મદદરૂપ થશે તેવી ખાતરી પાઠવેલ.
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ સેમિનારના આયોજન તથા સફળતા અંગે જણાવી તેમની ખાસ વાતચીત દરમ્યાન જણાવેલ કે, ગાંધીધામ ચેમ્બર અને CySec Shield LLP, અમદાવાદ નું આ દૂરંદેશી પગલું સેમિનારના ત્રણેય ક્ષેત્રોને યોગ્ય પ્રાધાન્ય સાથે પ્લેટફોર્મ પૂરું પાડવાનું સ્પષ્ટ કારણ બની રહેલ છે. કેમકે, કચ્છનો વ્યવસાયિક સમાજ મોટાભાગે નાના અને મધ્યમ ઉદ્યોગોનો બનેલો છે, જેમને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની સહુથી વધુ જરૂર છે. આજની આ શ્રેણી, આ દિશામાં એક મહત્વનું પગલું છે. “અમારું લક્ષ્ય કચ્છના વ્યવસાયોને ડિજિટલ યુગ માટે સજ્જ કરવાનું છે,” એમ જીસીસીઆઈ ના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ અંતે ઉમેરેલ.
આ મહત્વપૂર્ણ સેમિનારના આયોજનમાં, ગાંધીધામ ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજા કાનગડ, ખજાનચી નરેન્દ્ર રામાણી, કારોબારી સભ્યો સર્વ, હેમચન્દ્ર યાદવ, બલવંત ઠક્કર, જગદીશ નહાટા, ભગવાનદાસ ગુપ્તા, કમલેશ પારિયાણી, ઉમેશ ઠક્કર, રાજીવ ચાવલા, પંકજ મોરબીયા, દામજી ભાનુશાલી, યૂથ વીંગના સર્વે રાજેશ આહીર, અભિનવ રામચંદાણી, રોહિત રામરખયાણી, શ્રીવર્ધન ડુગર, સભ્ય સેવક લખવાણી સહિતનાઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રશ્નોત્તરી સેશનમાં ભાગ લઈ નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન તથા આભારવિધિ કોડાય ગુરુકુળના આસી. પ્રોફેસર કિશન કટુઆએ કરી હતી.
ઉપસ્થિતો એ આ પહેલને, કચ્છના વ્યવસાયિક જગત માટે એક નવી દિશા ચીંધી છે તેમ તેમના પ્રતિભાવમાં જણાવી, ગાંધીધામ ચેમ્બર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય બાબત એ રહી કે, સેમિનારમાં 85% ભાગીદારોએ તાત્કાલિક ડિજિટલ અપનાવવાની તૈયારી દર્શાવી હતી, જે સ્પષ્ટ કરે છે કે વ્યવસાયિક સમાજ પરિવર્તન માટે તૈયાર છે. ગાંધીધામ ચેમ્બરનું આ પગલું સમયની માંગ છે, જે કચ્છના વ્યવસાયોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમ સમાપનમાં મહેશ તીર્થાણીએ જણાવેલ.
જીસીસીઆઈના માનદ મંત્રીએ જણાવ્યું કે આગામી મહિનાઓમાં નિ:શુલ્ક વેબિનાર શ્રેણી, સાયબર સુરક્ષા તાલીમ અને ડિજિટલ માર્કેટિંગ વર્કશોપ્સનું આયોજન કરવામાં આવશે, જે કચ્છના વ્યવસાયિક જગતને ડિજિટલ યુગમાં આગળ વધવામાં મદદરૂપ થશે. તેવું આ અખબારી યાદીમાં ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવેલ.