લોકભાષા-મુન્દ્રા :
વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદર, સન્માન, સત્કાર અને આત્મીયતાની ભાવના કેળવાય, ભારતીય પ્રાચીન શિક્ષણ પ્રણાલી પ્રત્યે ગૌરવ કેળવે, ઋણસ્વીકારની ભાવના કેળવે તે હેતુથી અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વર ખાતે ગુરુપૂર્ણિમાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ધોરણ 4 થી 10 સુધીના કુલ 55 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેને નિહાળવા 560 જેટલા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વ નિમિતે અતિથિ વિશેષ મુન્દ્રા સી.કે.એમ.કન્યા વિદ્યાલયના નિવૃત આચાર્યા ડો. હીનાબેન જાની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ગરુવંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ મુજબ ઉપસ્થિત મહેમાનશ્રીનું શાબ્દિક તેમજ પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તદુપરાંત બાળકોએ વિવિધ કૃતિઓની રજૂઆત દ્વારા ગુરુ પ્રત્યેની પોતાની લાગણીને ભાવ સાથે અભિવ્યક્ત કરી હતી.
જે અંતર્ગત ધોરણ 6 ની વિદ્યાર્થીની દુર્ગા આહિરે ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું, ધોરણ 4 અને 5 ના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં ગુરુસ્તુતિ ભાવાર્થ સાથે રજુ કરવામાં આવી હતી, ધોરણ 1ના નાના ભૂલકાઓ દ્વારા સુંદર મજાનું અભિનય ગીત રજુ કરવામાં આવ્યું હતું. સંગીત શિક્ષકના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા સંગીતમય શૈલીમાં ગુરુ મહિમાનું ગાન કરવામાં આવ્યું હતું, જીવનમાં ગુરુના સ્થાનનું મહાત્મ્ય સમજાવતું નાટક ધોરણ 5ના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત બધા જ ગુરુજનોને સમર્પિત એવી ગુરુવંદના ધોરણ 7 ની વિદ્યાર્થીનીઓએ રજુ કરી હતી. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના આચાર્ય અને ઉપાચાર્ય તથા પધારેલા અતિથિ વિશેષ ડૉ. હિનાબેન જાની સહિત સમગ્ર શિક્ષકોનું ગુરુપૂજન કરવામાં આવ્યું હતું.
હીનાબેન જાનીએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને ગુરુનો સાચો અર્થ શું છે તે અંગે જ્ઞાનાન્વિત કર્યા અને દીકરીઓને ઉચ્ચ અભ્યાસ મેળવી સમાજમાં પોતાનું માન ભર્યું સ્થાન મેળવવા આહવાન કર્યું હતું. ગુરુપૂર્ણિમાના આ પાવન પ્રસંગે અજ્ઞાનતાના અંધકારને દૂર કરી જીવનમાં જ્ઞાનની જ્યોતિ પ્રગટાવનાર દરેક ગુરુઓનો આભાર અભિવ્યક્ત કર્યો હતો.
સમાજ તેમજ રાષ્ટ્રના ઉત્તમ નાગરિકોના નિર્માણ માટે અદાણી વિદ્યા મંદિર, ભદ્રેશ્વર આર્થિક – સામાજિક પછાત વર્ગના તેમજ બંદર વિસ્તારના બાળકોના જીવન વિકાસ તેમજ ઉજ્જવળ ભવિષ્યના સર્જન માટે મફત શિક્ષણ આપી સમાજ સેવાના કાર્ય તેમજ રાષ્ટ્રના નવનિર્માણમાં સહભાગી છે. શાળામાં મફત શિક્ષણની સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે સંગીત, કમ્યુટર, વ્યાયામ જેવા શિક્ષણની સુવિધાઓ છે. શાળામાં સ્માર્ટક્લાસ , કમ્પ્યુટર લેબ , વિજ્ઞાન લેબ, રમતગમતના સાધનો જેવી વિશેષ અને અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. બાળક ઉત્તમ ભોજન મેળવી શકે તે હેતુથી પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. બાળકોને પુસ્તકો, નોટબુક, ગણવેશ, બૂટ-મોજા જેવી શિક્ષણ જરૂરિયાતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.