લોકભાષા-ભુજ :
૩૦ ગાયના પાલન સાથે પ્રાકૃતિક ખેતી અપનાવનારા ભચાઉ તાલુકાના ચોપડવાના જીતેશકુમાર વિનોદભાઇ વેલાણી વર્ષ ૨૦૧૬થી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા બાદ હાલ પ્રાકૃતિક ખેતીમાં ઘઉં, ધાણા, મગફળી, એરંડા જેવા પાકનું ઉત્પાદન કરીને નોંધપાત્ર આવક મેળવતા થયા છે.
એસ.વાય બી.કોમ સુધીનો અભ્યાસ કરેલા ખેડૂત જીતેશકુમાર વેલાણી જણાવે છે કે, પહેલા હું રાસાયણિક ખેતી કરતો હતો પરંતુ આ પધ્ધતિમાં રાસાયણિક ખાતર અને જતુંનાશક દવાઓ પાછળ વધુ ખર્ચ થઇ જતો હતો. રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે ખેતીમાં ખૂબ જ સમસ્યા થતી હતી. રાસાયણિક ખેતીમાં દવા અને ખાતરનો ખર્ચો વધી જતો, નિંદણ પણ વધારે ઊગી નીકળતા મજૂરી ખર્ચ વધુ થતો હતો. જમીનનું બંધારણ પણ બગડી ગયું હતું જેથી ગમે તેટલી મહેનત છતાં પાકની ગુણવતા સારી થતી ન હતી. સતત દવા છંટકાવ અને ખાતરના કારણે પાણીની ગુણવતા બગડવા સાથે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી ગયું હતું. પરંતુ પ્રાકૃતિક ખેતી વિશે આત્મા યોજના અંતર્ગત માહિતી મળતા આત્માના અધિકારીઓનાં માર્ગદર્શનથી પ્રાકૃતિક કૃષિ વર્ષ ૨૦૧૬થી શરૂ કરી છે. હાલ હું ઘઉં, ધાણા, મગફળી, એરંડા જેવા પાકો લઉં છું અને સારું ઉત્પાદન મેળવી રહ્યો છું. જીવામૃત, ધનામૃત વગેરેનો ઉપયોગ કરવાથી સારા પાક સાથે જમીનની ગુણવત્તા, ભેજધારણ શક્તિમાં વધારો થયો છે. જેથી સારું ઉત્પાદન મળી રહ્યું છે.
જીતેશકુમાર વધુમાં ઉમેરે છે કે, ૧૦ એકરમાં પ્રાકૃતિક ખેતી હેઠળ ઘઉં, ધાણા, મગફળી, એરંડા વગેરેનું જ્યારે રાસાયણિક પધ્ધતિથી વાવેતર કરતા હતા ત્યારે આવક રૂ. ૪,૦૦,૦૦૦ અને ખર્ચ રૂ.૨,૫૦,૦૦૦, જયારે નફો માત્ર રૂ.૧,૫૦,૦૦૦ થતો હતો. પરંતુ પ્રાકૃતિક ખેતીમાં હાલ આવક રૂ.૪,૦૦,૦૦૦ છે જેમાં ખર્ચ ઘટીને માત્ર રૂ.૧,૫૦,૦૦૦ થાય છે તેથી નફો રૂ. ૨,૫૦,૦૦૦ થઇ રહ્યો છે. હું તમામ ખેડૂત મિત્રોને અનુરોધ કરું છું કે, ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી વળવું એ જ પ્રકૃતિ અને મનુષ્યના હિતમાં છે.