લોકભાષા-આણંદપર :
કચ્છમાં નખત્રાણા તાલુકામા તામિલનાડુના ૪૦ જેટલા વેપારીઓના નવરાત્રિ સમયથી નખત્રાણા પંથકમાં ધામા જોવા મળી રહ્યા છે.દિવાળીના તહેવારો પણ પોતાના વતનના બદલે કચ્છમાંજ દિવાળી મનાવશે.વર્ષ ૨૦૨૧માં ૨૭૦૦થી૩૨૦૦, વર્ષ ૨૦૨૨માં ૩૨૦૦થી ૩૫૦૦રૂપિયાના ભાવે સોદા થયેલ હતા. ગત વર્ષે ૩૫૦૦થી ૪૦૦૦ રૂપિયાના ભાવે સોદા થયા હતા આ વર્ષ ૩૫૦૦ની આસપાસ સોદા થઈ રહ્યા છે.ગત વર્ષ અને આ વર્ષ ભાવ સરખામણીએ એક સરખા જોવા મળી રહ્યા છે.
અન્ના તરીકે ઓળખાતા વેપારીઓ નખત્રાણા પંથકનો ખૂણે ખૂણો ખૂંદીને લગભગ ત્રણસો ઉપરાંત ટ્રકોને મગફળીને તમિલનાડુ પહોંચાડે છે.એક ટ્રક નું ટ્રાન્સપોર્ટ ભાડું ૧૭૫૦૦૦ પોણા બે લાખ રૂપિયા જેટલું થાય છે.પશ્ચિમ કચ્છમાં ખાસ કરીને નખત્રાણા વિસ્તારની મગફળી અહીંથી ૩૦૦૦ કિલો મીટરનું અંતર કાપીને તામિલનાડુ પહોંચશે. ચાલુ સાલે મગફળીનો એકંદરે સારો પાક થતાં ખેડૂતો પોતાના ખેતર અને વાડીમાં તૈયાર થયેલ માલ ને યોગ્ય પોષણક્ષમ ભાવે વેચવાની તૈયારી કરી છે.
નખત્રાણા પંથકમાં ઉત્પાદન થતી મગફળીની દક્ષિણના રાજ્યોમાં ભારે માંગ છે.આ અંગે તામિલનાડુ રાજયથી આવેલ વેદ નારાયણ નામના અન્ના વેપારીએ જણાવ્યું હતું કે નખત્રાણા પંથકમાં મગફળીની ખરીદી કરવા માટે દર વર્ષે ૩૦ થી ૪૦ ની સંખ્યામાં આવીયે છીએ. નખત્રાણા આવ્યા બાદ અલગ-અલગ સમૂહમાં વહેંચાઈને સમગ્ર નખત્રાણા પંથકમાં મગફળીની ખરીદી માટે ફરી વળીએ છીએ.
આ વિસ્તારમાં થતી મગફળીની દક્ષિણનાં રાજયોમાં ખૂબ જ માંગ રહેતી હોય છે. જે મગફળીમાંથી ખાસ કરીને બિયારણ બનાવવામાં આવે છે. એટલે ત્યાંથી લાંબુ અંતર કાપીને દર વર્ષે નખત્રાણા આવીને મગફળીની ગુણવત્તા જોઈને મગફળીનો ભાવ કરવામાં આવે છે. અને તે મુજબ સોદા કરવામાં આવે છે.
સામાન્ય રીતે સારી મગફળીના ૩૫૦૦ થી માંડીને ૪૦૦૦ રૂપિયા જેટલો ભાવ આપવામાં આવે છે.અને દર વર્ષે લગભગ ૩૦૦થી પણ વધારે ગાડીનો મગફળીનો જથ્થો નખત્રાણા પંથકમાંથી ખરીદીને તામિલનાડુ સુધી પહોંચે છે.
નાના અગિયાંના ખેડુત એવા સુરેશભાઈ મેઘાણીએ જણાવ્યું હતું કે જમીન અને માવજત સારી હોય તો પ્રતિ એકરે પચીસેક મણ જેટલો ઉતારો મળે છે.અને મગફળીનો ત્રીસેક જેટલો આઉટન હોય તો તેવી મગફળી સારી ગણાય છે. અને તમિલનાડુ ના વેપારીઓ વેપાર સોદા માટે ઠેઠ ખરવાડ કે ખેતરો સુધી આવે છે.મગફળીની ગુણવત્તા મુજબના ભાવ આપે છે.એકંદરે પોષણક્ષમ ભાવ મળી રહે છે.જો કે સ્થાનિકના વેપારીઓ ખેડુતોને માંડ ૨૫૦૦ થી ૩૦૦૦ રૂપિયા નો ભાવ મળતો હોય છે.જેથી ખેડૂતો પહેલી પસંદ અન્ના વેપારીઓ ઉપર ઉતારે છે.
ટ્રાન્સપોર્ટ ઉધોગ સાથે નવીનભાઈ ધોળુંના જણાવ્યા મુજબ તામિલનાડુથી કચ્છ આવતી ટ્રકો રિટર્નમાં મગફળી લઈ જાય તેનું ભાડું પોણા બે લાખ રૂપિયા જેટલું થતું હોય છે.જો કચ્છની ટ્રક તામિલનાડુ જાય તો સહજે બે લાખ રૂપિયા જેટલું ભાડું થઈ જાય.ડીઝલના ભાવ વધારાના કારણે આટલું ભાડું થઈ જાય છે.આ બાર વહીલ વાળી ગાડીમાં ૧૯ ટન મગફળી આવી જાય છે.તેવું નાના અંગીયા સુરેશભાઈ મેઘાણીએ જણાવ્યું હતું.