લોકભાષા-ભુજ :
કચ્છના ભુજ શહેરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અનુસંધાને આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રન ફોર યુનિટી કાર્યક્રમ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સરદાર વલ્લભાઈ પટેલના જન્મદિવસ ૩૧ ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે એકતા અને અખંડિતતાના શપથ લઈને પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત નાગરિકો આર.ડી.વરસાણી હાઈસ્કૂલથી જ્યુબિલી સર્કલ સુધીની દોડમાં સહભાગી થયા હતા. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રન ફોર યુનિટી કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી, નગરસેવક મનુભા જાડેજા, અગ્રણી બાલકૃષ્ણ મોતા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, ભુજ મામલતદાર બી.એન.શાહ, નાયબ પોલીસ અધિક્ષક એ.આર.ઝનકાંત, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર. આર. ફૂલમાલી સહિત પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.