લોકભાષા-ભુજ :
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાના પ્રથમ સરહદી ગામ કુરન ખાતે આયોજિત ગ્રામસભામાં સહભાગી બન્યા હતા.મુખ્યમંત્રીએ કુરન ગામના સરપંચ સહિત સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને સરહદી વિસ્તારમાં આવેલા પરિવર્તન અંગે જાણકારી મેળવી હતી. ગ્રામજનોએ વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કના નિર્માણથી ઊભી થયેલી રોજગારી વિપૂલ તકોનો શ્રૈય વડાપ્રધાનના વિઝનને આપ્યો હતો.

મુખ્યમંત્રીએ ગામજનો સાથે મુક્તમને સંવાદ કરીને ગ્રામ્યજીવનને આદર્શ ગણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ ગામમાં સામાજિક એકતા અને ભાઈચારાની ભાવનાને બિરદાવી હતી. એક વિઝનથી અનેક લોકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવે તે કચ્છમાં રણોત્સવ અને રિન્યુએબલ એનર્જી પાર્ક થકી શક્ય બન્યું છે તેમ જણાવીને કચ્છના વિકાસને મુખ્યમંત્રીએ વડાપ્રધાનને આભારી ગણાવ્યો હતો. એક સમયે કોઈ ભાગ્યે જ બહારથી આવીને કુરન ગામની મુલાકાત લે એવી પરિસ્થિતિમાંથી આજે આ વિસ્તાર સમગ્ર ભારતભરમાંથી આવેલા લોકોના રોજગારીનું કેન્દ્ર બન્યો છે તે જાણીને મુખ્યમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
ગામલોકોએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, આજે ઉદ્યોગો અને પ્રવાસનના લીધે આ વિસ્તારમાંથી સ્થળાંતર અટક્યું છે. કુદરતની કૃપાથી છેલ્લા વર્ષોમાં સારા વરસાદ અને સરકારના સહયોગથી લોકો આર્થિક રીતે સદ્ધર બન્યા છે. નર્મદાના પાણીથી કચ્છમાં થયેલા ખેતીના વિકાસ અંગે ગ્રામલોકોએ જણાવીને મુખ્યમંત્રી સમક્ષ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ ગામલોકો સાથે સંવાદમાં કહ્યું હતું કે, હવે કચ્છ વિકાસનો પર્યાય બની ગયું છે. વિકાસની વાત હોય ત્યાં કચ્છ ના હોય એવું ભાગ્યે જ બની શકે. મુખ્યમંત્રીએ ઉપસ્થિત તમામ સ્થાનિક પદાધિકારીઓને સકારાત્મક સૂચન કરતાં કહ્યું હતું કે, છેવાડાના તમામ ગામોનો સર્વે કરીને વિકાસની બાબતમાં કોઈપણ જરૂરિયાત હોય તો તેમને જાણ કરવામાં આવે. મુખ્યમંત્રીએ વરસાદી પાણીનો સંગ્રહ થાય એ માટેના વિવિધ કાર્યો અંગેની રજૂઆતો બાબતે લોકહિતમાં નિર્ણય લેવા અંગે ખાતરી આપી હતી.

આ રાત્રિસભા દરમિયાન કચ્છના જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અદગીકારી ઉત્સવ ગૌતમ સહિતના પદાધિકારીઓ, અધિકારી અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


