લોકભાષા-ગાંધીનગર :
ગ્રામીણ વિસ્તારના ઘરવિહોણા પરિવારોનું “પોતાના ઘરના ઘરનું” સ્વપ્ન સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી “પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ” અમલમાં મૂકવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ આવાસના નિર્માણ માટે અપાતી સહાયમાં વધારો કરવાનો જનહિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
આ નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં “સામાજિક-આર્થિક મોજણી અભ્યાસ-૨૦૧૧” તેમજ “આવાસ પ્લસ સર્વે” મુજબ પાત્રતા ધરાવતા રાજ્યના ઘરવિહોણા તેમજ કાચા આવાસ ધરાવતા પરિવારોને આવરી લેવાનો રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીઓને ત્રણ તબક્કામાં કુલ રૂ. ૧,૨૦,૦૦૦ની સહાય ચૂકવવામાં આવતી હતી. ગ્રામીણ વિસ્તારોમાં મકાન બાંધકામ માટેના વપરાતા રેતી, કપચી, સિમેન્ટ, સ્ટીલ જેવા માલસામાનની વધતી કિંમતો ઉપરાંત ભૌગોલિક અને અંતરિયાળ વિસ્તારોના કારણે થતા પરિવહન ખર્ચને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ મુશ્કેલીઓ દૂર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓને રાજ્ય સરકાર તરફથી વધારાની રૂ. ૫૦,૦૦૦ સહાય આપવામાં આવશે. વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરી ગામડાઓને સમૃદ્ધ અને મજબૂત બનાવવાના ઉમદા આશય સાથે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં આ વધારાની સહાય ચૂકવવા માટે કુલ ૧,૧૦,૦૦૦ લાભાર્થીઓના લક્ષ્યાંક સાથે રૂ. ૫૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે, તેમ ગ્રામ વિકાસ મંત્રીએ ઉમેર્યું હતું.
વધુ વિગતો આપતા ગ્રામ વિકાસ મંત્રીએ ઉમેર્યું હતું કે, હવેથી લાભાર્થીઓને આવાસ મંજૂરી સમયે પ્રથમ હપ્તા પેટે રૂ. ૩૦,૦૦૦, પ્લીન્થ લેવલ બીજા હપ્તા પેટે રૂ. ૮૦,૦૦૦, રૂફ-કાસ્ટ લેવલ ત્રીજા હપ્તા પેટે રૂ. ૫૦,૦૦૦ તેમજ આવાસ પૂર્ણ થયેથી ચોથા હપ્તા પેટે રૂ. ૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૭૦,૦૦૦ની સહાય આપવામાં આવશે. જેમાંથી રૂ. ૯૮,૦૦૦ની સહાય રાજ્ય સરકાર તેમજ રૂ. ૭૨,૦૦૦ સહાય કેન્દ્ર સરકારના ભંડોળમાંથી ચૂકવવામાં આવશે.
વધુમા કહ્યું હતું કે, આ વધારાની સહાયથી ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓને પ્લીન્થ લેવલથી લઈને મકાન પૂર્ણ કરવા સુધીની કામગીરી દરમિયાન નાણાકીય મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે અને આવાસ બાંધકામ ઝડપથી પૂર્ણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે આ યોજના હેઠળ ૧૧,૬૦૬ લાભાર્થીઓને રૂ. ૫૮ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા દૂરોગામી આયોજનથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે. આ પ્રજાલક્ષી નિર્ણય ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓને નવા આવાસના બાંધકામમાં મદદરૂપ થશે અને સમૃદ્ધ ગ્રામ નિર્માણમાં આ યોજનાનું યોગદાન પણ મહત્વપૂર્ણ રહેશે.
રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓને વધારાની રૂપિયા ૫૦,૦૦૦ સહાય અપાશે
આ યોજના હેઠળ નાગરિકોને હવે ચાર તબક્કામાં કુલ રૂપિયા ૧,૭૦,૦૦૦ની સહાય ચૂકવાશે : વધારાની સહાય માટે ચાલુ વર્ષના બજેટમાં ૧,૧૦,૦૦૦ લાભાર્થીઓના લક્ષ્યાંક માટે રૂ. ૫૫૦ કરોડની જોગવાઈ
Related Posts
Add A Comment


